Bajri NaVada Recipe in Gujarati: શીતળા સાતમના તહેવારમાં ગુજરાતના ઘરોમાં રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવવાની પરંપરા છે. પૂરી, સુખડી, ઢેબરા અને અન્ય વાનગીઓની સાથે બાજરીના વડા પણ ઘણા પરિવારોમાં ખાસ બનાવવામાં આવે છે. આ વડા સ્વાદિષ્ટ હોવાની સાથે લાંબા સમય સુધી સારા રહે છે, જેના કારણે સાતમના દિવસે ઠંડા ભોજન તરીકે તેનો આનંદ માણી શકાય છે.
બાજરીના વડા બનાવવા માટે જરૂરી સામગ્રી
- 2 કપ બાજરીનો લોટ
- 2 બાફેલા બટાકા
- 2 લીલા મરચાં ઝીણા સમારેલા
- 1 ચમચી આદુની પેસ્ટ
- 2 ચમચી ધાણા ઝીણા સમારેલા
- 1 ચમચી તલ
- ½ ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તળવા માટે તેલ
બાજરીના વડા બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં બાજરીનો લોટ લો અને તેમાં બાફેલા બટાકાને સારી રીતે મસળીને ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલા લીલા મરચાં, આદુની પેસ્ટ, ધાણા, તલ, જીરું, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે બધી સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરો જેથી મસાલાનો સ્વાદ સમગ્ર મિશ્રણમાં સરખી રીતે ભળી જાય.
ત્યારબાદ જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરતાં જાઓ અને નરમ પરંતુ થોડો કડક લોટ બાંધી લો. લોટ તૈયાર થઈ જાય પછી તેને 10થી 15 મિનિટ માટે ઢાંકીને રાખો. આમ કરવાથી બાજરીનો લોટ સારી રીતે સેટ થઈ જાય છે અને વડા બનાવવામાં સરળતા રહે છે. હવે લોટમાંથી નાના-નાના લુવા બનાવી તેને હાથની મદદથી ગોળ અથવા ચપટા વડાના આકારમાં તૈયાર કરો. જો લોટ હાથમાં ચોંટતો હોય તો હાથ પર થોડું તેલ લગાવી શકો છો.
હવે એક કડાઈમાં તળવા માટે પૂરતું તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય પછી તૈયાર કરેલા વડા ધીમે-ધીમે તેમાં નાખો. એકસાથે વધારે વડા ન નાખવા, જેથી તે સરખી રીતે તળી શકે. વડાને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો. વધુ તાપ પર તળવાથી વડા બહારથી જલદી લાલ થઈ જાય છે પરંતુ અંદરથી કાચા રહી શકે છે, તેથી ધીરજ રાખીને મધ્યમ આંચ પર જ તળવા.
વડા સરસ રીતે તળી જાય પછી તેને કડાઈમાંથી કાઢીને કિચન પેપર પર મૂકો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે ગરમા-ગરમ બાજરીના વડા લીલી ચટણી, લસણની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો. જો શીતળા સાતમ માટે બનાવી રહ્યા હોવ તો રાંધણ છઠ્ઠના દિવસે વડા તૈયાર કરીને ઠંડા થયા બાદ હવાબંધ ડબ્બામાં ભરી રાખો. બીજા દિવસે પણ તેનો સ્વાદ એટલો જ સરસ લાગે છે અને સાતમના પરંપરાગત ભોજનમાં તેનો ખાસ સમાવેશ થાય છે.
બાજરીના વડા બનાવતી વખતે ખાસ ટિપ્સ
- વડા વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મેથીની ભાજી ઉમેરી શકાય.
- તળતી વખતે ગેસની આંચ મધ્યમ રાખો જેથી વડા અંદરથી પણ સારી રીતે ચડી જાય.
- વધુ કરકરા વડા માટે થોડું ચોખાનો લોટ પણ ઉમેરી શકાય.
બાજરીના વડા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો છે, જે બાળકો અને મોટાઓ બંનેને પસંદ આવે છે. શિયાળામાં પણ આ ગરમા-ગરમ વડા બનાવી પરિવાર સાથે તેની મજા માણો શકાય.
