Places To Visit Around Junagadh: જૂનાગઢ, ગુજરાતનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર, તેની આસપાસ ફરવા લાયક અનેક આકર્ષક સ્થળોથી ઘેરાયેલું છે. અહીં જૂનાગઢ શહેરની નજીકના કેટલાક મુખ્ય પ્રવાસન સ્થળોની માહિતી ગુજરાતી જાગરણ તમને આપી રહ્યું છે.

ગિરનાર પર્વત અને રોપ-વે
સ્થળ: જૂનાગઢથી લગભગ 5 કિ.મી. દૂર.
વિશેષતા: ગિરનાર પર્વત જૈન અને હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થસ્થાન છે. અહીં દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર અને જૈન તીર્થંકર નેમિનાથનું મંદિર આવેલું છે. આશરે 10,000 પગથિયાં ચઢીને ટોચ પર પહોંચી શકાય છે, પરંતુ હવે રોપ-વેની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે પ્રવાસીઓ માટે સરળ અને ઝડપી વિકલ્પ છે.
આકર્ષણ: પર્વતની ટોચેથી જૂનાગઢ અને આસપાસના વિસ્તારોનું મનોહર દૃશ્ય, ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન.

ઉપરકોટ કિલ્લો
સ્થળ: જૂનાગઢ શહેરની મધ્યમાં.
વિશેષતા: જૂનાગઢ શહેરમાં આવેલ આ ઉપરકોટના કિલ્લો રિનોવેશન બાદ ખુબજ સુંદર લાગી રહ્યો છે. તે જૂનાગઢમાં આવનારા પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. અહીંની સ્વચ્છતા તમને ઉડીને આંખે વળગશે. અહીં જૈન ગુફાઓ, નવઘણ કૂવો, અડી-કડી વાવ અને બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે.
આકર્ષણ: કિલ્લાની અંદર જૂની જેલ, તોપો અને નવઘણ કૂવાનું અનોખું સ્થાપત્ય.
આ પણ વાંચો

અશોક શિલાલેખ
સ્થળ: જૂનાગઢથી 3-4 કિ.મી. દૂર, ગિરનાર રોડ પર.
વિશેષતા: સમ્રાટ અશોકના 14 શિલાલેખોમાંથી એક, જે તેમના બૌદ્ધ ધર્મના પ્રચાર અને નીતિઓને દર્શાવે છે. આ શિલાલેખ ઈ.સ. 250ની આસપાસનો છે.
આકર્ષણ: ઇતિહાસ અને પુરાતત્વના રસિકો માટે આ એક મહત્વનું સ્થળ છે.

દામોદર કુંડ
સ્થળ: ગિરનાર પર્વતની તળેટીમાં.
વિશેષતા: આ પવિત્ર કુંડ હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ અને તર્પણ માટે મહત્વનું છે. અહીંનું શાંત વાતાવરણ અને નજી કનું દામોદરજી મંદિર પ્રવાસીઓને આકર્ષે છે.
આકર્ષણ: પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ.

સાસણ ગીર
સ્થળ: જૂનાગઢથી લગભગ 60-65 કિ.મી. દૂર.
વિશેષતા: એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર નિવાસસ્થાન. ગીરનું જંગલ વન્યજીવ પ્રેમીઓ માટે આદર્શ છે. અહીં સિંહો ઉપરાંત ચિત્તા, હરણ, નીલગાય, સામ્બાર અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે.
આકર્ષણ: જીપ સફારી અને દેવળિયા સફારી પાર્ક, જે નાનો પરંતુ ઝડપી વન્યજીવ અનુભવ આપે છે.

મહાબત મકબરા
સ્થળ: જૂનાગઢ શહેરમાં.
વિશેષતા: મહાબત મકબરા એ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીની સમાધિ છે, જે તેની અનોખી ઇસ્લામિક-ગોથિક સ્થાપત્ય શૈલી માટે જાણીતી છે. નજીકમાં જ આવેલી જામા મસ્જિદ પણ ઐતિહાસિક અને સ્થાપત્યની દૃષ્ટિએ મહત્વની છે.
આકર્ષણ: ફોટોગ્રાફી અને ઐતિહાસિક રસ ધરાવતા લોકો માટે યોગ્ય.

સક્કરબાગ ઝૂ અને મ્યુઝિયમ
સ્થળ: જૂનાગઢ શહેરમાં.
વિશેષતા: સક્કરબાગ ઝૂ ગુજરાતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય છે, જ્યાં સિંહ, ચિત્તા, હરણ અને અન્ય પ્રાણીઓ જોવા મળે છે. નજીકમાં જૂનાગઢ મ્યુઝિયમમાં નવાબી યુગની કલાકૃતિઓ, હથિયારો અને ઐતિહાસિક વસ્તુઓ પ્રદર્શિત છે.
ધાર્મિક સ્થળો: તમારે જૂનાગઢની આસપાસ ધાર્મિક સ્થળો નિહાળવા હોય તો તેમે સતાધાર (વિસાવદર પાસે), પરબધામ (ભેસાણ નજીક પરબવાવડી), ચેલૈયા ધામ (બિલખા) જઈ શકો છો.