Gajar Halwa Recipe: શિયાળાની ઋતુમાં લાલચટક ગાજર બજારમાં મળવા લાગે એટલે ઘરે ગાજરનો હલવો બનાવવાનું મન થાય જ. પરંતુ પરંપરાગત રીતે ગાજરનો હલવો બનાવવામાં દૂધને લાંબો સમય ઉકાળવું પડે છે અને સતત હલાવવાની મહેનત પણ કરવી પડે છે. જો તમારી પાસે સમય ઓછો હોય અને મીઠાઈ ખાવાનું મન થાય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. એક ખાસ ટ્રિકની મદદથી તમે માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ અને દાણાદાર ગાજરનો હલવો તૈયાર કરી શકો છો.
ગાજરનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી
- ગાજર – 3થી 4 નંગ
- ઘી – 1 મોટી ચમચી
- દૂધ – 1 કપ
- ખાંડ – સ્વાદ અનુસાર
- માવો – અડધો કપ
- કાજુ – 10થી 15 નંગ
- કિસમિસ – 10થી 15 નંગ
- એલચી પાઉડર – 1 ચપટી
ગાજરનો હલવો બનાવવાની રીત
સૌથી પહેલાં ગાજરને પાણીથી બરાબર ધોઈને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ તેને છીણી લો. ગાજર છીણતી વખતે ધ્યાન રાખો કે તે બહુ ઝીણું ન હોય, જેથી હલવામાં ગાજરની દાણાદાર બનાવટ જળવાઈ રહે.
હવે ગેસ પર એક કડાઈ ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર નાખીને મધ્યમ આંચ પર 2થી 3 મિનિટ સુધી બરાબર સાંતળો. ગાજરમાંથી હળવી સુગંધ આવવા લાગે એટલે તેમાં દૂધ ઉમેરો.
હવે ગાજર અને દૂધને સતત હલાવતા રહો. ગાજર નરમ થવા લાગે અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો. આ રીતે ગાજરને ઘીમાં સાંતળવાથી તેનો સ્વાદ પણ સારો આવે છે અને હલવો ઝડપથી તૈયાર થાય છે.
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ ઉમેર્યા પછી ગાજરમાંથી થોડું પાણી છૂટશે, તેથી તેને ફરીથી થોડીવાર પકાવવું જરૂરી છે. હવે તેમાં માવો ઉમેરો અને ધીમી આંચ પર મિક્સ કરતા રહો. માવો હલવાને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે.
છેલ્લે તેમાં સમારેલા કાજુ, કિસમિસ અને એલચી પાઉડર ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય અને હલવો કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ દાણાદાર ગાજરનો હલવો. ઉપરથી થોડા કાજુ અને બદામ નાખીને તેને સર્વ કરો.
ગાજરનો હલવો સ્વાદિષ્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ
ગાજરનો હલવો બનાવતી વખતે લાલ અને તાજાં ગાજર પસંદ કરો. ગાજરને ઘીમાં પહેલાં સાંતળવાથી તેનો સ્વાદ વધારે સારો આવે છે. માવો ઉમેરવાથી હલવો ઘટ્ટ અને દાણાદાર બને છે. ખાંડ હંમેશાં ગાજર થોડું ચડી જાય ત્યારબાદ ઉમેરવી, જેથી હલવો સારી રીતે તૈયાર થાય.
