Gajar Halwa Recipe In Gujarati: શિયાળામાં માર્કેટમાં ગાજર મોટા પ્રમાણમાં આવવા લાગે છે. તાજા ગાજર જોઈને ગાજરનો હલવો તો દરેક મહિલાને બનાવવાની મન થતું હોય છે. વળી બાળકોને ગાજરનો હલવો પસંદ પણ પડે છે. તો આજે ગુજરાતી જાગરણ તમને અહીં ગાજરનો હલવો કેવી રીતે બનાવવો તેની રેસિપી જણાવશે.
ગાજરનો હલવો બનાવવાની સામગ્રી:
ગાજર – 1 કિલો
દૂધ – 1 લિટર
ખાંડ – 200-250 ગ્રામ
ઘી – 4-5 મોટી ચમચી
કાજુ – 10-12
બદામ – 10-12
કિસમિસ – 2 મોટી ચમચી
મગજના બીજ – 1 મોટી ચમચી (વૈકલ્પિક)
એલચી પાવડર – અડધી ચમચી
ગાજરનો હલવો બનાવવાની રીત: (Gajar Halwa Recipe)
- ગાજરને ધોઈ, છોલીને બારીક ખમણવાળી છીણી પર ખમણી લો, જાડા ટુકડા બિલકુલ ન રહેવા જોઈએ.
- જાડા તળિયાની કડાઈ કે નોન-સ્ટિક પેનમાં 2 મોટા ચમચા ઘી ગરમ કરો. તેમાં ખમણેલા ગાજર નાખી 8-10 મિનિટ મધ્યમ તાપ પર સાંતળો. ગાજરની કાચી ગંધ જતી રહે અને તે થોડા નરમ પડે ત્યાં સુધી.
- હવે તેમાં 1 લિટર દૂધ નાખો. તાપ મોટો કરી ઉકાળો આવવા દો, પછી તાપ ધીમો કરી ધીમી આંચે દૂધ સુકાઈને ગાજરમાં પૂરેપૂરું શોષાઈ જાય ત્યાં સુધી પકાવો. આમાં લગભગ 35-45 મિનિટ લાગે. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તળિયે ચોંટે નહીં.
- જ્યારે દૂધ લગભગ સુકાઈ જાય અને મિશ્રણ ઘાટું થઈ જાય, ત્યારે ખાંડ નાખો (200 ગ્રામથી શરૂ કરો, પછી સ્વાદ જોઈ વધારો). ખાંડ નાખતાં જ થોડું પાણી છૂટશે, ચિંતા ન કરશો.
- બાકીના 2-3 મોટા ચમચા ઘી નાખી મધ્યમ તાપે સતત હલાવતા રહો. હલવો ઘી છોડવા માંડે અને કડાઈ છોડવા લાગે ત્યાં સુધી પકાવો (લગભગ 10-15 મિનિટ).
- છેલ્લે એલચી પાવડર, બારિક સમારેલા કાજુ, બદામ, કિસમિસ અને મગજના બીજ નાખી 2-3 મિનિટ સાંતળો.
- ગાજરનો હલવો તૈયાર છે. ગરમ-ગરમ કે ઠંડો કરીને પીરસો.
