Akha Bataka Nu Shaak: બટેટા ભરવાની મહેનત વગર ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ અને ઢાબા સ્ટાઇલ આખા બટાકાનું શાક

આખા બટાકાનું મસાલેદાર અને ઘટ્ટ ગ્રેવીવાળું શાક ઘરે બનાવો. જાણો ઢાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ Akha Bataka Nu Shaak બનાવવાની સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 25 Nov 2026 10:06 AM (IST)Updated: Wed, 25 Nov 2026 10:06 AM (IST)
how-to-make-akha-bataka-nu-shaak-at-home-quick-gujarati-potato-sabzi-without-stuffing

Gujarati Akha Bataka Nu Shaak Recipe: રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે બટાકામાંથી કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવો. નાના બટાકાને કાપ્યા કે તેમાં મસાલો ભર્યા વગર પણ ખૂબ જ ચટાકેદાર શાક બનાવી શકાય છે. આ શાકની ખાસિયત છે તેમાં રહેલી મસાલેદાર ગ્રેવી, જેમાં આખા બટાકા ધીમે ધીમે પકવવાથી મસાલાનો સ્વાદ અંદર સુધી ઉતરી જાય છે. ગરમાગરમ રોટલી, પરાઠા કે જીરા રાઇસ સાથે આ શાક પીરસશો તો જમવાની મજા બમણી થઈ જશે.

આખા બટાકાનું શાક બનાવવા માટેની સામગ્રી

  • નાના બટાકા – 500 ગ્રામ
  • ઝીણી સમારેલી ડુંગળી – 2 નંગ
  • ટામેટાં – 2 નંગ
  • આદુ-લસણની પેસ્ટ – 1 મોટી ચમચી
  • લીલાં મરચાં – 2 નંગ
  • દહીં – 3 મોટી ચમચી
  • કાજુ – 8થી 10 નંગ
  • જીરું – 1 નાની ચમચી
  • તમાલપત્ર – 1 નંગ
  • તજ – 1 નાનો ટુકડો
  • લવિંગ – 3થી 4 નંગ
  • હળદર – અડધી નાની ચમચી
  • લાલ મરચું પાઉડર – 1 નાની ચમચી
  • ધાણાજીરું પાઉડર – 1 મોટી ચમચી
  • ગરમ મસાલો – અડધી નાની ચમચી
  • કસૂરી મેથી – 1 નાની ચમચી
  • હિંગ – 1 ચપટી
  • તેલ – જરૂર મુજબ
  • મીઠું – સ્વાદ અનુસાર
  • લીલી કોથમીર – સજાવટ માટે

આખા બટાકાનું શાક બનાવવાની રીત

સૌથી પહેલાં બટાકાને પાણીથી બરાબર ધોઈ લો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં થોડું મીઠું નાખો અને બટાકા ઉમેરો. બટાકાને એટલા બાફવાના છે કે તે અંદરથી થોડા નરમ થાય, પરંતુ તેમનો આકાર જળવાઈ રહે. બટાકા બફાઈ જાય એટલે પાણી કાઢી ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો.

હવે કાંટાની મદદથી દરેક બટાકામાં 2થી 3 જગ્યાએ હળવા કાણાં કરી લો. આનાથી શાકની ગ્રેવીનો મસાલો બટાકાની અંદર સુધી પહોંચશે. એક કડાઈમાં તેલ ગરમ કરી બટાકાને ધીમા-મધ્યમ તાપે હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. બટાકા તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે ગ્રેવી તૈયાર કરવા માટે એક મિક્સર જારમાં ટામેટાં અને કાજુ નાખીને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લો. બીજી તરફ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર, તજ, લવિંગ અને હિંગ નાખીને વઘાર કરો. મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.

ડુંગળીને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને સમારેલાં લીલાં મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખીને થોડું સાંતળો. મસાલો કડાઈમાં ચોંટવા લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો.

હવે તૈયાર કરેલી ટામેટાં અને કાજુની પેસ્ટ ઉમેરો. ગ્રેવીને ધીમા તાપે ત્યાં સુધી પકવો જ્યાં સુધી મસાલો ઘટ્ટ થઈ જાય અને તેલ કડાઈની કિનારી પર દેખાવા લાગે. ત્યારબાદ ગેસ ધીમો કરીને ફેંટેલું દહીં ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી દહીં ફાટે નહીં. ગ્રેવીમાં દહીં બરાબર ભળી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

હવે શેકેલા આખા બટાકા ગ્રેવીમાં નાખીને હળવા હાથે મિક્સ કરો. બટાકા તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીને ગ્રેવીની ઘટ્ટતા નક્કી કરો. તેમાં ગરમ મસાલો અને હાથથી મસળેલી કસૂરી મેથી ઉમેરો.

છેલ્લે કડાઈને ઢાંકણથી ઢાંકી ધીમા તાપે લગભગ 10થી 12 મિનિટ સુધી શાકને પકવા દો. આ દરમિયાન બટાકા ગ્રેવીનો સ્વાદ સારી રીતે શોષી લેશે. ગેસ બંધ કરતાં પહેલાં ઉપરથી સમારેલી લીલી કોથમીર નાખો. તૈયાર છે ગરમાગરમ રેસ્ટોરન્ટ અને ઢાબા સ્ટાઇલ આખા બટાકાનું શાક.

પીરસવાની રીત: આ શાકને ગરમાગરમ બાજરીના રોટલા, ઘઉંની રોટલી, પરાઠા, નાન અથવા જીરા રાઇસ સાથે પીરસી શકાય છે.