Health Benefits Of Brushing At Night: શું તમે પણ એવા લોકોમાંથી છો જે દિવસમાં માત્ર એક જ વાર બ્રશ કરે છે? અથવા રાત્રે બ્રશ કર્યા વિના જ સુઈ જાવો છે? જો હા, તો તમે એકલા નથી. ઇન્ટરનેશનલ ડેન્ટલ જર્નલ અનુસાર ભારતમાં 50 ટકાથી વધુ લોકો રાત્રે બ્રશ કરતા નથી અને આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે.
રાત્રે બ્રશ શા માટે જરૂરી છે?
દિવસ દરમિયાન આપણે જે કંઈ ખાઈએ છીએ તેના નાના કણો આપણા દાંતની વચ્ચે ફસાઈ જાય છે. જો આપણે તેને રાત્રે સાફ ન કરીએ, તો આ કણો બેક્ટેરિયા માટે ભોજન બની જાય છે. આ બેક્ટેરિયા આખી રાત આપણા મોંમાં વધે છે, જેનાથી દાંતમાં સડો, કેવિટી અને પેઢા સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જોકે, આ નાની આદત બદલીને તમે તમારા દાંતના સ્વાસ્થ્યને અનેકગણું સુધારી શકો છો.
રાત્રે બ્રશ ન કરવાથી થતા નુકસાન
જ્યારે આપણે રાત્રે બ્રશ કર્યા વિના સૂઈ જઈએ છીએ ત્યારે દાંતના ફસાયેલા નાના કણો અને બેક્ટેરિયા દાંત પર જમા થઈને એસિડ બનાવે છે. આ એસિડ દાંતના ઉપલા પડને ઘસે છે અને કેવિટી, પેઢામાં સોજો અને દુર્ગંધ જેવી સમસ્યાઓની શરૂઆત થાય છે. ઊંઘ દરમિયાન આપણી લાળનું ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે, જેના કારણે મોંની કુદરતી સફાઈ પ્રણાલી ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં દાંત અને પેઢા વધુ અસુરક્ષિત બની જાય છે.
રાત્રે બ્રશ કરવાના ફાયદા
દાંતની યોગ્ય કાળજી ફક્ત સુંદર સ્મિત માટે જ નહીં, પરંતુ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. સવારે અને રાત્રે એટલે કે દિવસમાં માત્ર બે વાર બ્રશ કરવું, એક નાની આદત છે જે તમને કેવિટી, પેઢાના રોગ અને પીડાદાયક ઇલાજથી બચાવી શકે છે. જાણો તેના ફાયદા
- નિયમિત બ્રશ કરવાથી દાંત પર જમા થયેલ ખોરાક અને બેક્ટેરિયા દૂર થાય છે, જેનાથી દાંત સડતા નથી.
- રાત્રે બ્રશ કરવાથી સવારે આવતી દુર્ગંધયુક્ત શ્વાસ નથી આવતી અને દિવસભર મોં તાજું રહે છે.
- બ્રશ કરવાથી પ્લેક જમા થતા નથી, જેનાથી પેઢાના રોગ અને લોહી નીકળવાની સમસ્યા થતી નથી.
- ફ્લોરાઈડ ટુથપેસ્ટ ઇનેમલને મજબૂત બનાવે છે, જેનાથી દાંત એસિડની અસરથી સુરક્ષિત રહે છે.
- સ્વચ્છ દાંત અને સ્વસ્થ પેઢા દાંતના મૂળને મજબૂત રાખે છે.
- નિયમિત સફાઈથી રૂટ કેનાલ, દાંત કઢાવવા કે પેઢાના ઓપરેશન જેવી જરૂરિયાતો ઓછી થાય છે.
- ગંદા દાંતમાંથી બેક્ટેરિયા શરીરમાં ફેલાઈને હૃદય અને શ્વાસ સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.
- સફેદ અને સ્વચ્છ દાંત ચહેરાની સુંદરતા વધારે છે અને આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત આપે છે.
બ્રશ કરવાની આદત કેવી રીતે પાડવી
ભારતમાં ઘણા લોકો રાત્રે બ્રશ કરવું જરૂરી માનતા નથી. સવારે તો બ્રશ કરવાનું જ છે એવું વિચારીને આળશના કારણે તેઓ તેને છોડી દે છે. આ ઉપરાંત, પેઢીઓથી ચાલી આવતી આદતો પણ તેનું કારણ છે, જ્યાં દાંત સાફ કરવાનું માત્ર સવારની તાજગી સાથે જ જોડીએ છે, તેને સ્વાસ્થ્ય સાથે જોડતા નથી. સુતા પહેલા મોબાઈલ કે ટીવી બંધ કર્યા પછી બ્રશ કરવાનું તમારી દિનચર્યાનો ભાગ બનાવો. બાળકોને શરૂઆતથી જ રાત્રે બ્રશ કરવાની આદત શીખવો. જો મોડી રાત્રે નાસ્તો કરો છો તો બ્રશ કર્યા વિના ક્યારેય સૂઈ ન જાઓ.