Healthy Brain:સામાન્ય રીતે ક્રિએટિન (Creatine)નો ઉપયોગ જિમમાં વર્કઆઉટ કરનારા લોકો સ્નાયુઓની તાકાત વધારવા માટે કરતા હોય છે.તાજેતરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ સપ્લિમેન્ટ મગજની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે? નિષ્ણાતોના મતે આ બાબતમાં ચોક્કસપણે સકારાત્મક શક્યતાઓ રહેલી છે.
કેનેડાના ઓન્ટારિયો સ્થિત મેકમાસ્ટર યુનિવર્સિટીના કાઇનેસિયોલોજી વિભાગના પ્રોફેસર સ્ટુઅર્ટ ફિલિપ્સ જણાવે છે કે માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં આપણે થોડા વ્યવહારુ બનવાની જરૂર છે.ક્રિએટિનમાં મગજને ફાયદો પહોંચાડવાની ક્ષમતા ચોક્કસ છે, પરંતુ અન્ય ઘણા પરિબળો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે.
મગજની ઊર્જા અને ક્રિએટિનની ભૂમિકા
શરીરના કોષોમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત એવા ATPના નિર્માણમાં ક્રિએટિન ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જે રીતે વેઈટ લિફ્ટિંગ દરમિયાન તે સ્નાયુઓને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે, તેવો જ સિદ્ધાંત મગજ માટે પણ લાગુ પડે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આપણા શરીરની કુલ ઊર્જાનો લગભગ 20 ટકા હિસ્સો એકલું મગજ વાપરે છે.તેથી નિષ્ણાતો માને છે કે ક્રિએટિન સપ્લિમેન્ટ લેવાથી મગજના કોષોને પણ પૂરતી ઊર્જા મળી શકે છે.
બીમારી અને થાકમાં અસરકારક
સંશોધનો પ્રમાણે ક્રિએટિન વ્યક્તિની એકાગ્રતા વધારવા,સ્પષ્ટ રીતે વિચારવા અને માનસિક થાક ઘટાડવામાં મદદ કરી શકે છે.જોકે આપણું મગજ તેના કુદરતી ક્રિએટિન સ્તરને ખૂબ જ ચુસ્ત રીતે નિયંત્રિત કરે છે.નિષ્ણાતોનું માનવું છે કે ખાસ કરીને મગજની ઈજા કે ગંભીર બીમારી વખતે આ સપ્લિમેન્ટ વધુ ઉપયોગી સાબિત થાય છે.અલ્ઝાઈમર,પાર્કિન્સન્સ અને અન્ય ન્યુરોલોજીકલ વિકારોથી પીડાતા દર્દીઓના મગજમાં ઊર્જા પ્રક્રિયા નબળી પડી જાય છે. આવા સંજોગોમાં ક્રિએટિન મગજમાં ઊર્જા ઉત્પાદનને વેગ આપવામાં સહાયક બની શકે છે.
