Girnar Lili Parikrama 2026 | Tourist Places in Junagadh: જૂનાગઢના ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો માહોલ જામવા લાગ્યો છે. આવતીકાલે એટલે કે 20 નવેમ્બરની મધરાત્રિથી શરૂ થનારી આ પરિક્રમામાં ભાગ લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચશે. ગિરનારની ગોદમાં યોજાતી આ 36 કિલોમીટરની પરિક્રમા ભક્તિ, આસ્થા અને પ્રકૃતિનો અનોખો સંગમ છે. જો તમે પણ લીલી પરિક્રમા માટે જૂનાગઢ જવાના હોવ તો દર્શનની સાથે આ 8 સુંદર પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
લીલી પરિક્રમા બાદ આ સ્થળો પણ ફરજો
1. ગિરનાર પર્વત
જૂનાગઢની ઓળખ સમાન ગિરનાર પર્વત ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. અહીં હિંદુ અને જૈન ધર્મનાં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. ગિરનારની ઊંચાઈએ પહોંચવા માટે પગથિયાં ચઢી શકાય છે, જ્યારે રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંથી આસપાસનાં પહાડો અને કુદરતી નજારો મનમોહક લાગે છે.

2. દામોદર કુંડ
ગિરનારની તળેટીમાં આવેલું દામોદર કુંડ હિન્દુ ધર્મમાં પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન અને પિતૃઓના અસ્થિ વિસર્જનનું વિશેષ મહત્ત્વ છે. શાંત વાતાવરણ અને સુંદર ઘાટને કારણે અહીં આવતા પ્રવાસીઓ પણ થોડો સમય વિતાવવાનું પસંદ કરે છે.

3. ભવનાથ મહાદેવ મંદિર
ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ધાર્મિક આસ્થા માટે જાણીતું છે. ખાસ કરીને મહાશિવરાત્રિ દરમિયાન અહીં ભવનાથનો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. લીલી પરિક્રમા માટે આવતા લોકો પણ અહીં દર્શન કરી શકે છે.

4. ઉપરકોટ કિલ્લો
જો તમને ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યો જોવાનો શોખ હોય તો ઉપરકોટ કિલ્લાની મુલાકાત ચોક્કસ લેજો. જૂનાગઢનો આ ઐતિહાસિક કિલ્લો તેની વિશાળ દીવાલો, પ્રાચીન વાવ અને બૌદ્ધ ગુફાઓ માટે જાણીતો છે. કિલ્લાની અંદર આવેલી અડીકડી વાવ અને નવઘણ કૂવો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

5. મહાબત મકબરા
જૂનાગઢનું મહાબત મકબરા શહેરનાં સૌથી સુંદર ઐતિહાસિક સ્થાપત્યોમાંનું એક છે. તેની અનોખી ડિઝાઇન, સુંદર કોતરણી, ગુંબજ અને ફરતી મિનારાઓ પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ઇન્ડો-ઇસ્લામિક અને યુરોપિયન સ્થાપત્યશૈલીનો સુંદર સમન્વય જોવા મળે છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવતા લોકો માટે પણ આ સ્થળ ખાસ છે.

6. અશોકનો શિલાલેખ
જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકના ધર્મ અને નૈતિક જીવન સાથે જોડાયેલા સંદેશાઓ કોતરવામાં આવ્યા છે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

7. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય
પરિવાર અને બાળકો સાથે ફરવા માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એક સારું સ્થળ છે. વર્ષ 1863માં શરૂ થયેલું આ પ્રાણી સંગ્રહાલય દેશનાં જૂનાં ઝૂ પૈકીનું એક છે. અહીં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. ખાસ કરીને એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ આ સ્થળ જાણીતું છે.

8. વિલિંગ્ડન ડેમ
કુદરતી વાતાવરણમાં થોડો સમય પસાર કરવો હોય તો વિલિંગ્ડન ડેમની મુલાકાત લઈ શકો છો. ગિરનારની તળેટી નજીક આવેલો આ ડેમ સુંદર પહાડો અને શાંત વાતાવરણથી ઘેરાયેલો છે. ખાસ કરીને ચોમાસા પછી અહીંનો નજારો વધુ સુંદર બની જાય છે. પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે આ એક સરસ જગ્યા છે.

જૂનાગઢ ફરવા જાઓ તો આ વાતોનું ધ્યાન રાખજો
લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. તેથી અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું આયોજન અગાઉથી કરી લેવું. પરિક્રમા અને ફરવા માટે આરામદાયક કપડાં અને ફૂટવેર પહેરો. ગિરનાર અને આસપાસનાં સ્થળોએ સ્વચ્છતા જાળવો અને કુદરતી વાતાવરણને નુકસાન ન પહોંચાડો. આ રીતે લીલી પરિક્રમાની ધાર્મિક યાત્રા સાથે જૂનાગઢનાં ઐતિહાસિક વારસા, મંદિરો અને કુદરતી સૌંદર્યને પણ માણી શકશો.
