Girnar Lili Parikrama 2026: જૂનાગઢમાં 20 નવેમ્બરથી આરંભ થનારી પવિત્ર લીલી પરિક્રમા પૂર્વે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુ મોઢવાડિયા અને ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે. આ વર્ષે ગિરનાર વિસ્તારમાં પાણીની મર્યાદિત ઉપલબ્ધતા અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાને રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોની સુરક્ષાના હિતમાં પરિક્રમામાં ન લાવવા ખાસ અનુરોધ કરાયો છે. આ સાથે જ પ્લાસ્ટિકના વપરાશ, પાણીનો બગાડ અટકાવવા, નિર્ધારિત માર્ગ પર ચાલવા ખાસ અપીલ કરી છે.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાનો ખાસ અનુરોધ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી એ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમા જેટલી પવિત્ર છે, તેટલી જ આપણી પ્રકૃતિ પણ પવિત્ર છે. આ પવિત્રતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે લઈ જવી નહીં તેમજ પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય કચરો માર્ગમાં ન ફેંકવો. આવી વસ્તુઓ પરિક્રમાના પ્રારંભ સ્થળે જ મૂકી દેવી અથવા પોતાની સાથે પરત લઈ જવી, જેથી ગિરનાર પર્વત અને પરિક્રમા માર્ગ સ્વચ્છ અને પવિત્ર જળવાઈ રહે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પીવાના પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોને તેમની સુરક્ષાના હિતમાં પરિક્રમામાં સાથે ન લાવવા અપીલ છે. પરિક્રમા દરમિયાન સ્થાનિક સ્તરે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં પાણીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાને રાખી યાત્રાળુઓએ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.
ગોરક્ષનાથ આશ્રમના મહંતે કરી ખાસ અપીલ
જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગિરનાર લીલી પરિક્રમામાં પધારનારા ભાવિકોને પર્યાવરણ અને પ્રકૃતિના જતન સાથે યાત્રા કરવા ભાવપૂર્વક અપીલ કરી છે. પાણીની અછતને ધ્યાને રાખીને પાણીનો બગાડ ટાળવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જંગલ અને વન્યજીવોની સુરક્ષા જળવાય તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.
મહંત શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે પરિક્રમામાં આવનારા દરેક ભાવિકે પુણ્યનું ભાથું બાંધવાની સાથે ગિરનારની પ્રકૃતિના જતનની જવાબદારી પણ નિભાવવી જોઈએ. પાણીની અછતને ધ્યાનમાં રાખીને પાણીનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે સ્વચ્છતા જાળવવી જોઈએ.
જંગલ વિસ્તારમાં રુટ સિવાયના રસ્તે જવું ટાળવું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગિરનારનો સમગ્ર વિસ્તાર વન્યજીવોનું કુદરતી આવાસ છે. અહીં સિંહ સહિત અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. આથી વન્યજીવોને કોઈ ખલેલ કે નુકસાન ન પહોંચે તે માટે ભાવિકોએ નિર્ધારિત પરિક્રમા માર્ગ પર જ ચાલવું જોઈએ અને જંગલ વિસ્તારમાં આડાઅવળા રસ્તે જવાનું ટાળવું જોઈએ. સંતો અને વહીવટી તંત્ર દ્વારા પણ બાળકો તથા મોટી ઉંમરના વૃદ્ધોને પરિક્રમામાં સાથે ન લાવવા અપીલ કરવામાં આવી રહી છે. જંગલ વિસ્તારમાં આગ લાગવાની સંભાવનાને અટકાવવા વિશેષ સાવચેતી રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. અન્નક્ષેત્રોના સંચાલકો ભોજન વ્યવસ્થા દરમિયાન પૂરતી તકેદારી રાખે તે સાથે દરેક ભાવિકે પણ આગથી જંગલ અને વન્યજીવોને નુકસાન ન થાય તેની જવાબદારી સમજવી જરૂરી છે.
