Moong Dal Halwa Recipe: મગની દાળનો હલવો ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે. આમ તો તેને મોટાભાગે શિયાળામાં બનાવવામાં આવે છે, પરંતુ હલવો એક એવી મીઠાઈ છે, જેને તમે કોઈપણ સિઝનમાં ખાઈ શકો છો. મગની દાળના હલવાને લગ્ન અને તહેવારો માટે ફેવરિટ રેસીપી માનવામાં આવે છે. આજે અમે તમારા માટે મગની દાળના હલવાની એકદમ સરળ રેસિપી લઈને આવ્યા છે. જેને ફોલો કરીને તમે પણ ઘરે જ ટેસ્ટી મગની દાળનો હલવો બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત…
સામગ્રી
- મગની મોગર દાળ- 1/2 કપ
- ચોખ્ખું ઘી- 3/4 કપ
- ખાંડ- 1/2 કપ
- ઇલાયચી પાઉડર- એક બે ચમચી
- દૂધ- 2 કપ
- સમારેલી બદામ- 2 ચમચી
- સમારેલા પીસ્તા- 2 ચમચી
- સમારેલા કાજુ- 2 ચમચી
બનાવવાની રીત
- સૌથી પહેલા મગની મોગર દાળને બે વાર પાણીથી ધોઈને 5થી 6 કલાક માટે પલાળીને રાખો, દાળ સરસ પલડી જાય ત્યારબાદ તેનું પાણી નિતારીને તેને મિક્સર જારમાં લઈ લો. સાથે એક ચમચી પાણી નાખીને આ દાળને કરકરી પીસીને તૈયાર કરી લો.
- હવે હલવો બનાવવા માટે એક નોન સ્ટીક કે જાડા તળિયાવાળી એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને એમાં વાટેલી દાળનું મિશ્રણ નાખો. દાળમાં ઘી સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી ગેસ ચાલુ કરો.
- હવે સરસ રીતે શેકી લો. દાળનો આછો બદામી કલર આવે ત્યારે તેમાં દૂધ નાખો. ગેસ ધીમો કરીને તેને સરસ રીતે મિક્સ કરી લો. દૂધ સરસ રીતે દાળમાં મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ નાખો. ખાંડ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ઓછી વધત્તી કરી શકો છો.
- થોડીવાર રહીને તેમાં 3 ચમચી ઘી નાખી અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લો. ત્યાર પછી હલવાને સરસ રીતે હલાવી લો. ત્યારબાદ તેમાં સમારેલી બદામ, પીસ્તા, કાજુ નાખો. હવે સરસ મજાનો મગની દાળનો હલવો બનીને તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.