Badam kulfi: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી. આખો દિવસ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા દરેક વ્યક્તિ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. આજે અમે તમને આ ગરમીથી રાહત મેળવવા માટે બદામની કુલ્ફી બનાવવાનું શીખવીશું. તેને ખાવાથી ઠંડક તો મળે જ છે સાથે જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તમે તેને ઘરે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.
સામગ્રી
- 3 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 1 કપ ફ્રેશ ક્રીમ
- 2 કપ ઉકાળેલી અને પીસેલી બદામ
- થોડું કેસર
- 6 નંગ પિસ્તા
- 3 ચમચી બ્લેન્ચ કરેલી બદામ
બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં પીસેલી બદામ, ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખો. મિશ્રણ જાડું થાય ત્યાં સુધી હલાવો અને એકબાજુ રાખી દો.
- ત્યારબાદ એક તપેલી લો અને તેમાં દૂધ ઉમેરો. તેને ધીમી આંચ પર ગરમ કરો અને દૂધને ઉકાળી લો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં કેસર ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી લો. તપેલીને આંચ પરથી ઉતારી લો અને મિશ્રણને ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને બદામના મિશ્રણમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તે એકદમ ક્રીમી અને જાડું હોવું જોઈએ.
- હવે બીજી કડાઈ લો તેને મીડિયમ આંચ પર ગરમ કરો. તેમાં સમારેલા પિસ્તા અને બદામ નાખીને થોડીવાર સેંકી લો.
- જ્યારે તે સેંકાઈ જાય, ત્યારે તેને કુલ્ફીના મિશ્રણમાં નાખો, થોડા ગાર્નિશ માટે રાખો. બરાબર મિક્સ કરો અને મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડો.
- હવે ઉપરથી ઢાંકણ (જો ઉપલબ્ધ હોય તો) અથવા બટર પેપર વડે ઢાંકી દો. તેને 4 કલાક અથવા સેટ થાય ત્યાં સુધી ફ્રિઝરમાં રાખો.
- ત્યારબાદ, કુલ્ફીને મોલ્ડમાંથી કાઢી લો અને રાખેલા થોડા પિસ્તા અને બદામથી ઉપર ગાર્નિશ કરો. વધુ સારા અનુભવ માટે આ સ્વાદિષ્ટ કુલ્ફીને ઠંડા ફાલુદાની સાથે સર્વ કરો.