Gujarati Rice Panki Recipe: સ્વાતી કીચન નામની રેસ્ટોરાંમાં જો તમે ગયા હશો તો પાનકીનો સ્વાદ જરૂર ચાખ્યો હશે. અહીંના ઢોકળાનો સ્વાદ પણ અલગ જ હોય છે. પંરતુ આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી પાનકીની રેસિપી (Panki Recipe In Gujarati) ની અહીં વાત કરવી છે. પાનકી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ફૂદીનાની ચટણી સાથે આ પાનકી ખાવાની મજા અલગ છે. તો ચાલો બનાવીએ પાનકી.
પાનકીની સામગ્રી: (Rice Panki Recipe)
- પાનકીના ખીરા માટે:
- ચોખાનો લોટ -1 કપ
- દહીં -1/2 કપ (થોડું ખાટું હોય તો વધારે સારું)
- આદુ-મરચાની પેસ્ટ -1 મોટી ચમચી
- ઘી -1 ચમચી
- જીરું -1 ચમચી
- હળદર -1/2 ચમચી
- હિંગ - ચપટી (વૈકલ્પિક)
- મીઠું - સ્વાદ પ્રમાણે
- પાણી - જરૂર મુજબ (આશરે પોણા બે કપ)
ફુદીનાની ચટણીની રેસિપી માટે:
- લીલા મરચા -1
- શેકેલા સીંગદાણા - 2-૩ ચમચી
- ફુદીનાના પાન -10-12
- આદુ - નાનો ટુકડો
- ખાંડ - સ્વાદ પ્રમાણે
- મીઠું - સ્વાદ પ્રમાણે
- લીંબુનો રસ - થોડો
- અન્ય સામગ્રી:
- કેળના પાન - જરૂર મુજબ
- તેલ - પાન પર લગાવવા માટે
પાનકી બનાવવાની રીત: (ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી બનાવાની રીત | Panki Recipe)
ખીરું બનાવવાની રીત:
- એક વાસણમાં ચોખાનો લોટ અને દહીં લો. તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને, ગઠ્ઠા ન પડે તે રીતે હેન્ડ વિસ્કથી મિક્સ કરી એકરસ ખીરું તૈયાર કરો. ખીરાની કન્સીસ્ટન્સી ઢોસાના ખીરા જેવી રાખવાની છે.
- હવે ખીરામાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ઘી ઉમેરો. ઘી ઉમેરવાથી પાનકી સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. જો પસંદ હોય તો થોડી હિંગ પણ ઉમેરી શકાય છે.
- બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લો.
- આ ખીરાને15-20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવા સાઈડ પર મૂકી દો. કોઈપણ ખીરાને રેસ્ટ આપવાથી તેનું પરિણામ ખૂબ જ સારું મળે છે.
પાનકી બનાવવાની રીત:
- સૌ પ્રથમ કેળના પાનને ધોઈને સ્વચ્છ કપડાથી લૂછી લો. જો કેળના પાન ઉપલબ્ધ ન હોય, તો તમે હળદર કે કમળના પાનનો પણ ઉપયોગ કરી શકો છો.
- પાનના શાઈનીંગવાળા ભાગ પર થોડું તેલ લગાવી દો. તેલ લગાવવાથી પાનકી પાન પર ચોંટશે નહીં અને સરળતાથી નીકળી જશે.
- હવે એક તવી ગરમ કરવા માટે મૂકો. ગેસની આંચ ધીમી રાખવી.
- જે ખીરું આપણે તૈયાર કરીને રાખ્યું છે તેને ફરીથી એકવાર હલાવી લો. તેલ લગાવેલા પાન પર દોઢ ચમચી જેટલું ખીરું પાતળું અને એકસરખું પાથરી દો.
- તેની ઉપર બીજું તેલ લગાવેલું પાન મૂકી દો.
- આ પાનને ગરમ તવી પર મૂકો અને ધીમા ગેસ પર શેકાવા દો. તાવેથા વડે હલકા હાથે દબાવતા રહો જેથી પાનકી અંદરથી પણ સરસ રીતે શેકાઈ જાય.
- આશરે 1 મિનિટ પછી પાનને પલટાવી દો અને બીજી બાજુ પણ એ જ રીતે શેકી લો.
- જ્યારે કેળનું પાન ખીરાથી સરળતાથી અલગ થવા લાગે, ત્યારે સમજવું કે પાનકી બરાબર શેકાઈ ગઈ છે.
- ગરમાગરમ પાનકીને પાન સાથે જ સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને તૈયાર કરેલી લીલી ચટણી સાથે સર્વ કરો. તમે એક જ પાનનો ઉપયોગ 3 વખત પાનકી બનાવવા માટે કરી શકો છો.
Green Chutney Recipe: હોટલ જેવી લીલી ચટણી ઘરે જ બનાવો મિનિટોમાં, જાણો સરળ રેસીપી
ચટણી બનાવવાની રીત:
- એક મિક્સર જારમાં લીલું મરચું, શેકેલા સીંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ, ફુદીનાના પાન અને આદુનો નાનો ટુકડો લો.
- ત્રણ-ચાર ચમચી પાણી ઉમેરીને બધું સરસ રીતે વાટી લો.
- ચટણી તૈયાર થઈ જાય પછી તેમાં છેલ્લે થોડો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. આનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)