Gond Laddu Recipe: શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઋતુમાં ગુંદરના લાડુ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગુંદર, ઘી, ગોળ અને સૂકામેવાનું મિશ્રણ કરીને બનાવવામાં આવતા આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે ઊર્જા આપતા નાસ્તા તરીકે પણ જાણીતા છે. ખાસ વાત એ છે કે એકવાર બનાવીને તમે તેને ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરે જ બજાર જેવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુંદરના લાડુ બનાવવાની સરળ રીત.
ગુંદરના લાડુ બનાવવા માટેની સામગ્રી
- ખાવાનો ગુંદર – 100 ગ્રામ
- ઘઉંનો લોટ – 250 ગ્રામ
- દેશી ઘી – 200 ગ્રામ
- ગોળ – 200 ગ્રામ
- બદામ – 50 ગ્રામ
- કાજુ – 50 ગ્રામ
- પિસ્તા – 25 ગ્રામ
- સૂકું નારિયેળ – અડધો કપ
- ગંઠોડાનો પાવડર – 1 નાની ચમચી
- સૂંઠ પાવડર – 1 નાની ચમચી
- એલચી પાવડર – અડધી નાની ચમચી
ગુંદરના લાડુ બનાવવાની રીત
સૌથી પહેલાં એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો. તેમાં થોડો-થોડો ગુંદર નાખીને ધીમા તાપે તળો. ગુંદર ફૂલીને સફેદ અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. આ રીતે બધો ગુંદર તળી લો અને ઠંડો થયા પછી તેને હળવો અધકચરો વાટી લો.
હવે એ જ કડાઈમાં થોડું ઘી નાખીને બદામ અને કાજુને હળવા શેકી લો. ત્યારબાદ તેમાં સૂકું નારિયેળ અને પિસ્તા ઉમેરીને શેકો. બધી સામગ્રીને એક પ્લેટમાં કાઢી લો.
હવે કડાઈમાં બાકીનું ઘી ગરમ કરીને ઘઉંનો લોટ ઉમેરો. ધીમા તાપે લોટને સતત હલાવતા રહો. લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
હવે શેકેલા લોટમાં વાટેલો ગુંદર, સૂકામેવું, સૂંઠ પાવડર, ગંઠોડાનો પાવડર અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
છેલ્લે ગોળને ઝીણો સમારીને અથવા છીણીને મિશ્રણમાં ઉમેરો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે બધી સામગ્રી સરખી રીતે ભેળવી લો. જો મિશ્રણ વધારે સૂકું લાગે તો થોડું ગરમ ઘી ઉમેરી શકો છો.
હવે હાથમાં થોડું મિશ્રણ લઈને ગોળ આકારના લાડુ વાળી લો. લાડુ સંપૂર્ણ ઠંડા થઈ જાય પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. તૈયાર છે શિયાળામાં ખાવા માટે સ્વાદિષ્ટ અને એનર્જીથી ભરપૂર ગુંદરના લાડુ.
