દિવાળી માટે ઘરે જ બનાવો દાણેદાર અને સોફ્ટ લાડુ, સોજી-નાળિયેરની આ મીઠાઈ ખાવામાં લાગશે એકદમ સ્વાદિષ્ટ

રવા નાળિયેરના લાડુ ઘરે સરળતાથી બનાવો. સોજી, તાજા નાળિયેર અને ખાંડમાંથી બનતા આ સ્વાદિષ્ટ લાડુ દિવાળી અને તહેવારો માટે ઉત્તમ છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 06 Nov 2026 03:07 PM (IST)Updated: Fri, 06 Nov 2026 03:07 PM (IST)
food-news-rava-coconut-ladoo-recipe-diwali-special-suji-coconut-sweet

Rava Coconut Ladoo recipe: દિવાળીના તહેવારમાં ઘરે મીઠાઈ બનાવવાની પરંપરા હોય છે. ત્યારે બજારમાંથી મીઠાઈ લાવવાને બદલે ઘરે જ રવા નાળિયેરના લાડુ બનાવી શકાય છે. સોજી અને નાળિયેરના મિશ્રણથી તૈયાર થતા આ લાડુ સ્વાદમાં મીઠા અને ખાવામાં એકદમ સરસ લાગે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી. તો ચાલો જાણીએ રવા નાળિયેરના લાડુ બનાવવાની રીત.

રવા નાળિયેરના લાડુ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ રવો (સોજી)
  • 1 કપ છીણેલું તાજું નાળિયેર
  • ¾ કપ ખાંડ
  • ½ કપ દૂધ
  • 3 ચમચી ઘી
  • 2 ચમચી ઝીણી સમારેલી બદામ
  • 2 ચમચી કાજુના ટુકડા
  • ½ ચમચી એલચી પાઉડર
  • કિશમિશ જરૂર મુજબ

રવા નાળિયેરના લાડુ બનાવવાની રીત

સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાજુ અને બદામના ટુકડા નાખીને થોડા શેકી લો. હવે આ જ કડાઈમાં રવો ઉમેરો અને ધીમી આંચ પર સતત હલાવતા તેને હળવો ગુલાબી થાય ત્યાં સુધી શેકો. રવો શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે કડાઈમાં થોડું ઘી નાખીને છીણેલું નાળિયેર ઉમેરો. તેને ધીમી આંચ પર 2થી 3 મિનિટ હળવું શેકી લો. ધ્યાન રાખો કે નાળિયેરનો રંગ બદલાઈને બ્રાઉન ન થાય. ત્યારબાદ તેમાં શેકેલો રવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

બીજી તરફ એક વાસણમાં દૂધ અને ખાંડ ગરમ કરો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં એલચી પાઉડર અને કિશમિશ ઉમેરો. હવે આ મિશ્રણને રવા અને નાળિયેરના મિશ્રણમાં ઉમેરીને સારી રીતે હલાવો, જેથી બધી સામગ્રી એકબીજા સાથે ભળી જાય.

મિશ્રણ થોડું ઠંડું થાય અને હાથથી પકડી શકાય એટલું ગરમ રહે ત્યારે તેના નાના-નાના ભાગ લઈ ગોળ લાડુ વાળી લો. જો મિશ્રણ સૂકું લાગે તો થોડું ગરમ દૂધ ઉમેરી શકાય છે. તૈયાર છે સ્વાદિષ્ટ રવા નાળિયેરના લાડુ. તેને ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે.