Recipe: શિયાળામાં ખાઈ લો આ ખાસ લાડુ, છૂમંતર થશે સાંધાનો દુખાવો; હાડકાં થશે મજબૂત

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 05 Dec 2023 04:00 AM (IST)Updated: Tue, 05 Dec 2023 04:00 AM (IST)
recipe-eat-this-special-laddu-in-winter-joint-pain-will-go-away-bones-will-become-stronger

શિયાળાની ઋતુ આવી ગઈ છે. વર્ષોથી પરંપરા રહી છે કે શિયાળાની ઋતુમાં લાડુ બનાવવામાં આવે છે. શા માટે? તેની પાછળના કારણો પણ છે. જે વસ્તુઓથી લાડુ બનાવવામાં આવે છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારીને આપણને શિયાળામાં ઠંડીથી થતાં રોગથી પણ બચાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે. ત્યારે આજે અમે તમારા માટે ગુંદરના લાડુની રેસિપી લઈને આવ્યા છીએ. તે શરદી અને ઉધરસ મટાડવામાં મદદરૂપ છે. સાથે જ તે હાડકાંને પણ મજબૂત બનાવી શકે છે. ઉપરાંત આ લાડુની ખાસ વાત એ છે કે તેને તમે બનાવીને લાંબા સમય સુધી રાખી શકો છો. જાણો તેની રેસિપી.

ગુંદરના લાડુ બનાવવા માટે સામગ્રી

  • ઘઉંનો લોટ
  • ગોળ પાવડર
  • ઘી
  • ગુંદ
  • સૂકું નાળિયેર
  • બદામ અને કાજુ
  • એલચી પાવડર

બનાવવાની રીત
લાડુ બનાવવા માટે એક કડાઈ લો અને તેમાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ઓગળી જાય એટલે તેમાં ઝીણી સમારેલી બદામ અને કાજુ નાખી દો. પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો. કાજુ બદામ ઠંડા થઈ જાય પછી આ ડ્રાયફ્રુટ્સને પીસી લો.

હવે કડાઈમાં થોડું છીણેલું સૂકું નાળિયેર નાખો અને એક-બે મિનિટ માટે સેકી લો. ડ્રાયફ્રૂટ્સ અને નારિયેળના મિશ્રણને કાઢીને એક પ્લેટમાં રાખી લો. ત્યારબાદ ગુંદને શેકવા માટે ઘી ગરમ કરો. તમારે ગુંદરને ત્યાં સુધી સેકવાનો છે, જ્યાં સુધી તે ફૂલી ન જાય.

ગુંદરના સેકાઈ ગયા બાદ તેને ઠંડો થવા દો અને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે કડાઈને ફરીથી ગરમ કરો અને તેમાં લગભગ 3 ચમચી ઘી નાખો. ઘી ઓગળી જાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. તેને તમે સતત હલાવતા રહો નહીંતર લોટ બળી જશે.

લોટ શેકાઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો અને તેમાં સેકેલા બદામ અને ગુંદ ઉમેરો. એલચી પાવડર અને ગોળ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે નાના-નાના ભાગ લો અને તેને લાડુનો આકાર આપી દો. તો તૈયાર છે તમારા ગુંદના લાડુ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.