Potato Recipe: બટર ગાર્લિક પોટેટો બનાવીને મહેમાનોને કરો ઈમ્પ્રેસ, 20 મિનિટમાં થઈ જશે તૈયાર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 24 Dec 2023 03:30 AM (IST)Updated: Sun 24 Dec 2023 03:30 AM (IST)
easy-indian-snacks-potato-recipe-in-tiffin-254432

Potato Recipe: બટાકામાંથી બનેલા શાક હોય કે નાસ્તો, મોટાભાગના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. અત્યાર સુધી તમે બટાકામાંથી બનેલી ઘણી વાનગીઓ ખાધી હશે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બટર ગાર્લિક પોટેટોની રેસિપી. તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ બટર ગાર્લિક પોટેટો બનાવવાની રીત.

બટર ગાર્લિક પોટેટો બનાવવાની સામગ્રી

  • 15-20 નાના-નાના બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કાળા મરી પાવડર
  • દોઢ ચમચી જીરું પાવડર
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 6-7 લસણની કળી ઝીણી સમારેલી
  • 3 ચમચી બટર
  • 1 ચમચી ઓરેગાનો
  • કોથમીર
  • 1 ચમચી ચિલી ફ્લેક્સ

બટર ગાર્લિક પોટેટો બનાવવાની રીત

  • સૌથી પહેલા ખૂબ જ નાની સાઈઝના બટાકા લો અને તેને બાફી લો. જ્યારે આ બટાકા બફાઈ જાય ત્યારે તેને છોલીને રાખી લો.
  • થોડાં ઠંડા થઈ જાય પછી આ બાફેલા બટાકામાં કાંટાવાળી ચમચી વડે કાણા પાડી લો. જેથી તેની ચારે બાજુ કાણાં થઈ જાય અને મસાલાને તેની અંદર નાખી શકાય.
  • હવે આ બટાકાના ઝીંણા-ઝીંણા કાણામાં મસાલો ઉમેરી દો. મસાલામાં સૌથી પહેલા મીઠું ઉમેરો. સાથે કાળા મરીનો પાવડર પણ ઉમેરો. આમચૂર પાવડર, જીરું, લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. લગભગ 10 મિનિટ માટે રહેવા દો.
  • કડાઈમાં બટર ઉમેરો. જ્યારે બટર ઓગળી જાય એટલા તરત જ તેમાં બારીક સમારેલ લસણ ઉમેરો. હાઈ ફ્લેમ પર લસણને સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
  • ત્યારબાદ મસાલામાં બટાકાને ઉમેરી દો. હાઈ ફ્લેમ પર લાંબા સમય સુધી પલટીને ફ્રાય કરો. જેથી બટાકામાં મસાલાનો સ્વાદ આવી જાય અને બટાકા થોડા સોનેરી થઈ જાય.
  • પછી તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરો. સૌથી છેલ્લે બારીક સમારેલી કોથમીરને ઉમેરી દો. બસ તૈયાર છે બટર ગાર્લિક પોટેટો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.