Besan Halwa Recipe: ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે બેસનનો હલવો ખાવ અને મેળવો તાકાત, આ રહી એકદમ સરળ રેસિપી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Jan 2024 03:30 AM (IST)Updated: Sun 07 Jan 2024 11:53 AM (IST)
besan-halwa-for-cold-recipe-262234

Besan Halwa Recipe In Gujarati: જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી પડે છે. આવી સ્થિતિમાં શરીરને ગરમ રાખવા માટે લોકો ઘણા પ્રકારની વસ્તુઓ પોતાની ડાઈટમાં સામેલ કરે છે. શિયાળામાં ખાસકરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં આમ પણ કંઈક ગરમ ખાવાનું ખૂબ જ મન થાય છે. રજાઈમાં બેસીને જો ગરમ ચણાના લોટનો હલવો ખાવા મળી જાય તો મજા જ આવી જાય છે. ચણાનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે તમને સ્વાદિષ્ટ ચણાના લોટનો હલવો બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવો એકદમ સરળ છે. બાળકો અને વડીલોને આ ચણાના લોટનો હલવો ખૂબ જ પસંદ આવશે, જાણો તેની રેસિપી…

બેસન ના હલવા ની સામગ્રી

  • 100 ગ્રામ ચણાના લોટ
  • 100 ગ્રામ ઘી
  • 100 ગ્રામ ખાંડ
  • 400 મિલીલીટર દૂધ

બેસન નો હલવો ગાર્નિશ કરવા માટે

  • 10-12 સમારેલી બદામ
  • 10 ઝીણા સમારેલા કાજુ
  • 8-10 ઝીણા સમારેલા પિસ્તા
  • થોડી ઈલાયચી પાવડર

બેસન નો હલવો બનાવવાની રીત
ચણાના લોટનો હલવો તૈયાર કરવા માટે એક કડાઈમાં ઘી નાખીને થોડું ગરમ ​​થવા દો. જ્યારે ઘી ઓગળી જાય ત્યારે તેમાં બધો ચણાનો લોટ નાખી દો અને મીડિયમ ફ્લેમ પર ચણાના લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

શેક્યા પછી ચણાના લોટનો રંગ બદલાઈ જશે અને સુગંધ પણ આવવા લાગશે. ચણાના લોટને શેકવામાં તમારે 15થી 20 મિનિટનો સમય લાગી શકે છે, મીડિયમ ફ્લેમ પર જ ચણાના લોટને શેકો.

આ પછી ચણાના લોટમાં ખાંડ ઉમેરી દો અને તેને સતત હલાવતા લગભગ 4-5 મિનિટ સુધી શેકી લો. જ્યારે તમે ચણાના લોટમાં ખાંડ નાખીને શેકશો ત્યારે હલવાનો રંગ ખૂબ જ સુંદર લાગે છે.

ગેસની ફ્લેમ ધીમી કરીને ચણાના લોટના હલવામાં ધીમે-ધીમે દૂધ ઉમેરતા જાઓ અને હલાવતા રહો. ચણાનો લોટ ઘટ્ટ થાય ત્યાં સુધી તમારે પકાવવાનો છે અને હલાવતી વખતે ગઠ્ઠા ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.

ચણાના લોટનો હલવો થોડો ઘટ્ટ થાય ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દો. તમે તેમાં સમારેલા કાજુ, બદામ અને પિસ્તા મિક્સ કરી દો. હલવો બનીને તૈયાર થઈ જાય, ત્યારે એલચી પાવડર મિક્સ કરી દો અને સર્વ કરતી વખતે હલવામાં 2 ચમચી ઘી વધુ ઉમેરી દો.

ઉપરથી થોડા કાજુ, બદામ અને પિસ્તા નાખી દો, જેનાથી હલવો દેખાવમાં વધુ સુંદર લાગશે. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ચણાના લોટનો હલવો. તમે તેને ગરમા ગરમ ખાઓ અને શિયાળાનો ભરપૂર આનંદ ઉઠાવો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.