White Gujarati Kadhi Recipe: ગુજરાતી થાળીમાં ગરમાગરમ કઢી અને ભાત હોય તો ભોજનનો સ્વાદ જ વધી જાય છે. ગુજરાતી સફેદ કઢીનો ખાટો-મીઠો સ્વાદ અને મસાલાનો સરસ વઘાર તેને ખાસ બનાવે છે. તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તો ચાલો જાણીએ ઘરે જ હોટલ જેવી સ્વાદિષ્ટ સફેદ ગુજરાતી કઢી બનાવવાની રીત.
સફેદ ગુજરાતી કઢી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાટું દહીં
- 2 ટેબલસ્પૂન ચણાનો લોટ
- 3 કપ પાણી
- 2-3 ટેબલસ્પૂન ગોળ
- 1 નાની ચમચી આદુ-મરચાંની પેસ્ટ
- 2-3 લવિંગ
- 1 તજનો ટુકડો
- 1 સૂકું લાલ મરચું
- 1/2 નાની ચમચી રાઈ
- 1/2 નાની ચમચી જીરું
- ચપટી હિંગ
- 5-6 લીમડાનાં પાન
- 1 ટેબલસ્પૂન ઘી
- મીઠું સ્વાદ અનુસાર
- કોથમીર સમારેલી
સફેદ ગુજરાતી કઢી બનાવવાની રીત
સૌથી પહેલાં એક મોટા વાસણમાં દહીં અને ચણાનો લોટ લો. તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર ફેંટી લો, જેથી તેમાં ગઠ્ઠા ન રહે. ત્યારબાદ બાકીનું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ, ગોળ અને સ્વાદ અનુસાર મીઠું નાખો. આ મિશ્રણને ગેસ પર મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો અને સતત હલાવતા રહો.
કઢીમાં ધીમે-ધીમે ઉકાળો આવવા લાગે ત્યારે ગેસ ધીમો કરી દો. તેને લગભગ 10થી 12 મિનિટ સુધી ઉકળવા દો, જેથી કઢીનો કાચો સ્વાદ જતો રહે અને સ્વાદ સરસ રીતે ભળી જાય.
હવે વઘાર માટે એક નાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું, હિંગ, લવિંગ, તજ, સૂકું લાલ મરચું અને લીમડાનાં પાન ઉમેરો. મસાલો બરાબર સાંતળાઈ જાય એટલે તૈયાર વઘાર કઢીમાં ઉમેરી દો.
છેલ્લે સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્સ કરો. તૈયાર છે ગરમાગરમ ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી. તેને ભાત, ખીચડી કે બાજરીના રોટલા સાથે પીરસી શકો છો.
