Kitchen Sink Cleaning Tips: માત્ર મિનિટોમાં ચમકાવો ચિકણું અને ગંદુ કિચન સિંક, જિદ્દી ડાઘ પણ પળમાં દૂર થશે

રાતે જમ્યા બાદ વાસણ ધોઈને સૂવો. જો કોઈ કારણોસર વાસણ ના ધોઈ શકો, તો તેમાં પડેલો એઠવાંડ તો ડસ્ટબિનમાં અચૂક નાંખો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Sep 2025 06:17 PM (IST)Updated: Wed 03 Sep 2025 06:21 PM (IST)
kitchen-sink-cleaning-tips-shine-steel-sink-in-minutes-with-baking-soda-and-vinegar-596750
HIGHLIGHTS
  • વાસણ ધોવાના સાબુ અને ડિટરજન્ટના કારણે પણ સિંકની સપાટી પર ગંદકીના થર જામે છે

Kitchen Sink Cleaning Tips: કિચન અર્થાત રસોડાની ચિકણી ટાઈલ્સને તો આપણે સરળતાથી સાફ કરી દેતા હોઈએ છીએ. જ્યારે સિંકની વાત આવે, ત્યારે આપણે તેની સફાઈ પર પુરતું ધ્યાન નથી આપતા. વાસણ ધોયા પછી સિંકને માત્ર પાણી રેડીને સાફ કરવાનો સંતોષ માની લેતા હોઈએ છીએ. જેના કારણે દિવસો જતાં સિંક વધારે ગંદુ અને ચિકણું થઈ જાય છે, જે આખા રસોડમાં દુર્ગંધ ફેલાવે છે.

તેલ અને ચિકાશવાળા વાસણ ધોવાના કારણે સિંકની સપાટી પર એક ચિકણું થર જામી જાય છે. જેથી આખું રસોડું ગંધાતું દેખાવા લાગે છે. જે બાદ તમે જ્યારે સિંકને સાફ કરવા મથો, ત્યારે તમારે વધારે મહેનત કરવી પડે છે. એવામાં આજે અમે આપને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું, જે અજમાવવાથી તમે મિનિટોમાં જ તમારા કિચનનું સિન્ક ચમકાવી શકો છો.

કિચન સિંક સાફ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ (Kitchen Sink Cleaning)

  • સૌ પ્રથમ તો સિંકમાં ગરમ લ્હાય જેવું પાણી ભરીને થોડીવાર રાખો. જેના પરિણામે ગંદકી અને ચિકાસનું થર ઢીલું પડી જશે. જેથી સાફ કરવામાં સરળતા થઈ જશે.
  • ગરમ પાણી બાદ હવે સિંકમાં ચારેક ચમચી બેકિંગ સોડા, અડધો કપ વિનેગાર અને લિક્વિડ ડિટરજન્સ નાંખો. આ મિશ્રણ ચિકાસ, ગંદકી અને જિદ્દી દાગને દૂર કરવાનું કામ કરે છે.
  • બેકિંગ સોડા, વિનેગાર અને લિક્વિડ ડિટરજન્ટના મિશ્રણને સિંકમાં ઓછામાં ઓછું 10 મિનિટ સુધી રાખી મૂકો. બેકિંગ સોડા અને વિનેગારની કેમિકલ અસર સિંકમાં રહેલા તેલના ડાઘ, ચિકણી ગંદકીના થરને બરફની માફક ઓગાળશે.
  • ઉપર જણાવેલ મિશ્રણને 10 મિનિટ રાખ્યા બાદ સ્કૉચ બ્રાઈટ સ્પંજ લો અને સિંકની દિવાલો અને બેસિનમાં ધીમે-ધીમે ઘસો. અહીં વધારે ભાર ના આપતા, નહીંતર સ્ટીલના સિંકમાં લિસોટા પડી શકે છે.
  • સ્કૉચ બ્રાઈટ સ્પંજ વડે ઘસી નાંખ્યા પછી સિંકને ચોખ્ખા પાણીથી ધોઈ લો. જે બાદ સૂકા કપડા અથવા કિચન ટુવાલથી લૂછી લો. મિનિટોમાં તમારું સિંક ચાંદીની જેમ ચમકી ઉઠશે.

આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

  • જો સિંકમાં બહુ જૂના ડાઘ હોય, તો ઉપર જણાવેલ ત્રણ વસ્તુના મિક્સ્ચરને થોડા વધારે સમય સુધી રાખી મૂકો.
  • આ સિવાય દરરોજ ડિટરજન્સ અને ગરમ પાણીથી સિંકને સાફ કરવાનું રાખો. જેથી સિંકમાં વારંવાર ગંદકી અને ચિકાશ ના થાય.
  • તેલના ડાઘ માટે આ ઉપાય કારગર સાબિત થશે.

આ રીતે પણ સિંકને રાખી શકો છો સ્વચ્છ

લીંબુ અને મીઠાનો ઉપયોગ: લીંબુને અડધું કાપીને તેના પર સામાન્ય મીઠું ભભરાવો અને પચી સિંકની સપાટી પર ઘસો. લીંબુનું નેચરલ એસિડ અને મીઠું ઘસવાથી જિદ્દી ડાઘ અને ગંદકી સરળતાથી દૂર થાય છે.

બેકિંગ સોડાની પેસ્ટ: 2 થી 3 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ડાઘ અને તેલની ચિકાસ વાળી જગ્યા પર 10 મિનિટ સુધી લગાવીને રાખો. જે બાદ સ્પંજ કે બ્રશ વડે ઘસી લો.

વિનેગાર અને પાણીનું મિશ્રણ: અડધો કપ વિનેગાર અને અડધો કપ પાણી મિક્સ કરીને બનેના મિશ્રણને સિંકમાં છાંટો. 10 મિનિટ સુધી રાખ્યા બાદ સ્પંજથી સાફ કરો.

કિચનને કાયમ સ્વચ્છ રાખવા અપનાવો આ ટિપ્સ

  • રાતે જમ્યા બાદ વાસણ ધોઈને સૂવો. જો કોઈ કારણોસર વાસણ ના ધોઈ શકો, તો તેમાં પડેલો એઠવાંડ તો ડસ્ટબિનમાં અચૂક નાંખો. વાસણોમાં રહેલ એઠો ખોરાક પાઈપમાં જઈને દુર્ગંધ ફેલાવી શકે છે.
  • દરરોજ વાસણ ધોયા પછી સિંકને ડિશ સોપથી સ્ક્રબ અચૂક કરો. આમ કરવામાં માત્ર મિનિટ જ લાગશે અને સિંકમાં ડાઘ-ધબ્બા નહીં જામે.
  • કિચન સિંકમાં ક્યારેય પણ તેલ ના નાંખશો. જેની ચિકાશથી પાઈપ જામ થઈ જશે અને સિંકમાં પણ ચિકાશ રહી જશે. જેને સાફ કરવું સરળ નહીં રહે.
  • ભલે તમે દરરોજ સિંક સાફ કરતા હોવ, પરંતુ સપ્તાહમાં એકવાર બેકિંગ સોડા, લીંબુ અને વિનેગારનો ઉપયોગ કરીને ડીપ ક્લીનિંગ કરવાનું ના ભૂલશો.