Desi Chana Nu Shaak: ઘરે જ લગ્નપ્રસંગમાં બને તેવું ચટાકેદાર દેશી ચણાનું રસાવાળું શાક બનાવવાની પરફેક્ટ રીત

લગ્નપ્રસંગમાં મળતા દેશી ચણાના રસાવાળા શાકનો સ્વાદ હવે ઘરે જ માણો. જાણો મસાલેદાર અને ચટાકેદાર દેશી ચણાનું શાક બનાવવાની પરફેક્ટ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 27 Nov 2026 09:39 AM (IST)Updated: Fri, 27 Nov 2026 09:42 AM (IST)
desi-chana-nu-shaak-recipe-make-gujarati-wedding-style-black-chickpea-curry-at-home

Desi Chana Nu Shaak Recipe: ગુજરાતી લગ્નપ્રસંગ કે જમણવારમાં પીરસવામાં આવતું દેશી ચણાનું રસાવાળું શાક ભાગ્યે જ કોઈને પસંદ ન હોય એવું બને. મસાલેદાર ગ્રેવી અને ચણાનો ચટાકેદાર સ્વાદ રોટલી, પૂરી કે ભાત સાથે ખાવાની મજા વધારી દે છે. જો તમને પણ આવું શાક ઘરે બનાવવું હોય તો આ રેસીપીથી સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની ખાસ રીત.

દેશી ચણાનું રસાવાળું શાક બનાવવાની સામગ્રી (Ingredients)

  • 1 કપ દેશી કાળા ચણા
  • 2 મધ્યમ કદની ડુંગળી (ઝીણી સમારેલી)
  • 2 ટામેટાં (ઝીણાં સમારેલાં)
  • 2 લીલા મરચાં
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • લીલી કોથમીર
  • જરૂર મુજબ પાણી

દેશી ચણાનું રસાવાળું શાક બનાવવાની રીત

સૌથી પહેલાં દેશી ચણાને સાફ કરીને 7થી 8 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારીને કુકરમાં ચણા નાખો. તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને 5થી 6 સીટી થાય ત્યાં સુધી બાફી લો. ચણા બરાબર બફાઈ જાય તેનું ધ્યાન રાખવું.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ સમારેલી ડુંગળી નાખીને આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલાં મરચાં ઉમેરીને થોડીવાર સાંતળો.

હવે તેમાં ટામેટાં ઉમેરો. ટામેટાં નરમ થાય એટલે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને જીરું પાઉડર નાખીને મસાલાને બરાબર મિક્સ કરો. મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ધીમા તાપે પકાવો.

ત્યારબાદ બાફેલા ચણા મસાલામાં ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં ચણા બાફેલું થોડું પાણી ઉમેરો. જો તમને ઘટ્ટ રસો પસંદ હોય તો થોડા ચણાને મેશ કરીને ગ્રેવીમાં મિક્સ કરી શકો છો. તેનાથી શાકનો રસો વધુ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે.

છેલ્લે ગરમ મસાલો અને લીલી કોથમીર ઉમેરીને શાકને 5થી 7 મિનિટ ધીમા તાપે ઉકળવા દો. તૈયાર છે લગ્નપ્રસંગમાં પીરસવામાં આવે તેવું મસાલેદાર દેશી ચણાનું રસાવાળું શાક.

પીરસવાની રીત: આ શાકને ગરમાગરમ પૂરી, પરાઠા, રોટલી અથવા જીરા રાઈસ સાથે પીરસો.