ટિફિન કે લંચ માટે ૧૦ મિનિટમાં બનાવો મસાલેદાર સૂકું ચણાનું શાક, આ રહી સરળ રેસીપી

ઘરે બનાવો ચટપટું અને ટેસ્ટી સૂકા દેશી ચણાનું શાક. દેશી ચણાને મસાલા સાથે એવી રીતે બનાવો કે સ્વાદમાં હોટેલ જેવું લાગે. જાણો સરળ રેસીપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 23 Oct 2026 11:27 AM (IST)Updated: Fri, 23 Oct 2026 11:27 AM (IST)
authentic-gujarati-suku-desi-chana-nu-shaak-healthy-dry-black-chickpeas-sabzi-recipe

Gujarati Kala Chana Nu Shaak Recipe: ગુજરાતી થાળીમાં ચણાનું શાક હોય તો ભોજનનો સ્વાદ જ વધી જાય છે. ખાસ કરીને દેશી ચણાનું સૂકું શાક રોટલી, ભાખરી અને પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે રોજ એક જ પ્રકારનું શાક ખાઈને કંટાળી ગયા હો, તો આ વખતે ઘરે ચટપટું અને મસાલેદાર સૂકા દેશી ચણાનું શાક બનાવી શકો છો. તેમાં ડુંગળી, ટામેટાં અને દેશી મસાલાનો સરસ વઘાર કરવામાં આવે છે, જે ચણાને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો જાણીએ દેશી ચણાનું સૂકું શાક બનાવવાની પરફેક્ટ રીત.

સૂકા દેશી ચણાનું શાક બનાવવા માટેની સામગ્રી

  • દેશી ચણા – 1 કપ
  • ડુંગળી – 2 નંગ (ઝીણી સમારેલી)
  • ટામેટાં – 2 નંગ (ઝીણાં સમારેલાં)
  • લીલાં મરચાં – 2 નંગ
  • આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
  • તેલ – 2 ચમચી
  • જીરું – ½ ચમચી
  • હિંગ – 1 ચપટી
  • હળદર – ¼ ચમચી
  • લાલ મરચું પાઉડર – 1 ચમચી
  • ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
  • ગરમ મસાલો – ½ ચમચી
  • આમચૂર પાઉડર – ½ ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • લીલી કોથમીર – 2 ચમચી
  • પાણી – જરૂર મુજબ

સૂકા દેશી ચણાનું શાક બનાવવાની રીત

સૌથી પહેલાં દેશી ચણાને 7થી 8 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. ચણા બરાબર પલળી જાય પછી તેનું પાણી કાઢી લો અને ચણાને ધોઈ લો. હવે કુકરમાં ચણા, થોડું મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને 4થી 5 સીટી થાય ત્યાં સુધી બાફી લો. ચણા બરાબર બફાઈ જાય પણ એકદમ ગળી ન જાય તેનું ધ્યાન રાખો. બાફેલા ચણાનું વધારાનું પાણી કાઢીને અલગ રાખો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો. જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને થોડીવાર સાંતળવાથી શાકમાં સરસ સુગંધ આવશે.

હવે તેમાં સમારેલાં ટામેટાં ઉમેરો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બધા મસાલાને બરાબર મિક્સ કરીને થોડીવાર ધીમા તાપે પકાવો, જેથી મસાલો તેલ છોડવા લાગે.

મસાલો તૈયાર થઈ જાય એટલે તેમાં બાફેલા દેશી ચણા ઉમેરો. ચણાને મસાલા સાથે હળવા હાથે મિક્સ કરો, જેથી દરેક ચણા પર મસાલો સરસ રીતે ચડી જાય. હવે તેમાં જરૂર મુજબ ચણા બાફેલું થોડું પાણી ઉમેરો. સૂકું શાક બનાવવાનું હોવાથી પાણી વધારે ન નાખવું. કડાઈને ઢાંકીને 5થી 7 મિનિટ ધીમા તાપે ચણાને મસાલા સાથે ચડવા દો.

છેલ્લે તેમાં ગરમ મસાલો અને આમચૂર પાઉડર ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને 2 મિનિટ પકાવો. શાકમાં પાણી બાકી હોય તો ઢાંકણ ખોલીને થોડું વધુ પકવો, જેથી શાક સૂકું અને મસાલેદાર બને. ઉપરથી લીલી કોથમીર નાખીને ગેસ બંધ કરો. તૈયાર છે ચટપટું અને ટેસ્ટી સૂકા દેશી ચણાનું શાક.