Success Story: કહેવાય છે કે જે વ્યક્તિને કોઈ કામમાં જો સફળતા ન મળે તો તેને નિરાશ થવાને બદલે પૂરી મહેનતની સાથે આગળ માટે કામ કરવું જોઈએ. ત્યારે જ તે અસફળતા કરતાં વધુ સારી સફળતા હાથ લાગે છે. આવી જ કહાની અલખ પાંડેની છે. જેઓ પોતાના જીવનમાં ઘણી વખત નિષ્ફળ થયા પરંતુ આજે તેમણે 9000 હજાર કરોડ રૂપિયાથી વધુની કંપની ઉભી કરી દીધી છે. તેઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ટોપર રહ્યા હતા પરંતુ IITની પરીક્ષાને પાસ કરી શક્યા ન હતા. ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર…
ઉત્તર પ્રદેશમાં થયો જન્મ
અલખ પાંડે (Alakh Pandey)નો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક નાનકડા ગામમાં થયો હતો. તેમણે અભિનય કરવાનું સપનું જોયું અને સ્થાનિક નાટકોમાં ભાગ લેતા રહ્યા. જોકે, આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ ધોરણ 8ના વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવવા લાગ્યા. તેઓ JEEની પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. આ પછી તેમણે બી.ટેક કરવા માટે કાનપુરની હરર્કોર્ટ બટલર કોલેજમાં એડમિશન લીધું, પરંતુ તેમણે બી.ટેકની ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી દીધી. તેઓ પછી ટીચિંગ પ્રોફેશનમાં જોડાઈ ગયા.
બાળકોને ભણાવવાનું શરૂ કર્યું
તેમણે ડિજિટલ યુગમાં એજ્યુકેશન ક્ષેત્રમાં એન્ટ્રી કરી અને કોલેજમાં પ્રોફેસર તરીકે ભણાવવાને બદલે પોતાની એક યુટ્યુબ ચેનલ શરૂ કરી. બાદમાં તેના દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. તેમની પહેલી કમાણી માત્ર 5,000 રૂપિયા હતી, જે તેમને ટ્યુશન ફી તરીકે મળી હતી. બાદમાં તેમણે 9100 કરોડ રૂપિયાની કંપની બનાવી. અલખ પાંડે આજે ઉત્તર પ્રદેશના સૌથી અમીર યુવા સાહસિકોમાંના એક છે. તેમની ફર્મ ફિઝિક્સ વાલાની હવે 61 યુટ્યુબ ચેનલો અને 31 મિલિયનથી વધુ યુઝર છે.
2016માં વીડિયો બનાવવાનું કર્યું શરૂ
વર્ષ 2016માં અલખ પાંડેએ વંચિત બાળકોને ભણાવવા માટે યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. કોરોનાકાળ દરમિયાન તેમના વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ પછી તેમણે 2020માં એપ લોન્ચ કરી હતી. હવે આ એડ-ટેક કંપનીમાં કુલ 500થી વધુ શિક્ષકો અને 100 ટેકનિકલ કર્મચારીઓ છે.