Natural Farming: 'પ્રાકૃતિક ખેતી' એ ધરતીના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા ખેડૂતો સાથે મળીને કરવામાં આવી રહેલ એક સામૂહિક પ્રયત્ન છે. જેનાથી માત્ર છોડ કે પાકનું જ સ્વાસ્થ્ય નહી પરંતુ જમીનની પણ ગુણવત્તા સુધરે છે. આ ખેતી દેશી ગાય આધારિત ખેતી છે. જેમાં ખેતી પાકો માટે જરૂરી બધા જ પોષક તત્વોની જરૂરિયાત પૂરી પડી જાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં પાકની વૃદ્ધિ અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે ઘરમાં જ ઉપલબ્ધ થાય છે.

ખેતરમાં વિવિધ પાકોનુ વાવેતર કરે છે
આવા જ ઘરગથ્થુ સંસાધનોના ઉપયોગથી અને ડીજીટલ માધ્યમના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા વિડીઓના માધ્યમથી તેમજ અન્ય ખેડૂતની પ્રેરણા લઇ જામનગર તાલુકાના ખીમલીયા ગામે શિવાભાઈ હરસોરા નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ પોતાના 10 વીઘા ખેતરમાં મગફળી, કપાસ તેમજ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

ખેતી વિશે ખેડૂતે શું કહ્યું?
ખેડૂત શિવાભાઈ હરસોરાએ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છુ. જેનાથી મને ઘણો ફાયદો થયો છે. શાકભાજીનું વાવેતર પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરું છું જેના પરિણામે મારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને જમીનની પણ ફળદ્રુપતા જળવાઈ રહે છે. જામનગર જિલ્લાના ખેડૂતો માટે “આત્મા” પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ ખાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં ભાગ લીધો હતો આ ઉપરાંત મારા ગામમાં રહેતા દિલીપભાઈ સંઘાણી નામના ખેડૂતમાંથી પ્રેરણા લઈને તથા મોબાઈલમાં વિડીઓના માધ્યમથી ઘરગથ્થુ ઉપચાર તથા ખાતર અને દવા બનાવવાની પદ્ધતિ દ્વારા મેં આ ખેતી અપનાવી.

પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે સારી
ચાલુ સિઝનમાં મેં મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે. પાકોને બહારથી કેમિકલયુક્ત દવાઓ લઈ છંટકાવ કરવાને બદલે હું ઘરે જ હળદર, હિંગ, અજમો તેમજ ઈયળોના નાસ માટે અગ્નીહસ્ત્ર બનાવું છું. અન્ય જીવાત પાકમાં નુકસાન ન કરે તેના માટે ધતુરો, લીમડો, મરચી, આદુ, લસણનો ઉકાળો કરીને છંટકાવ કરું છું. તેમજ દેશી ગાયનું ગૌમુત્ર અને છાશના ઉપયોગથી જીવામૃત બનાવું છું. આ ખેતીમાં ખર્ચ થતો નથી અને જમીનનું સ્તર સુધરે છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. અને ખેડૂતોને સહાય પણ આપે છે. અન્ય ખેડૂતો પણ જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેઓને ફાયદો થશે. આ ખેતી પદ્ધતિ એક દમ સરળ છે. મારા દ્વારા અપનાવેલી ખેતી પદ્ધતિનો લાભ મારી ભવિષ્યની પેઢીને પણ અવશ્ય મળશે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રએ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સુક્ષ્મ જીવાણું અને પોષકતત્વોનો ખજાનો છે. આ ઉપરાંત પાકને નુકસાન કરતા જંતુઓ, બેક્ટેરિયા,વાયરસ,ફૂગ વગેરે સામે પણ રક્ષણ આપે છે.