Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું

વાઘોડિયાના ખંધા ગામના કિર્તન પટેલે 15 વીઘામાં સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેનાથી તેઓ મીઠું, ખાંડ અને ચા સિવાયની તમામ જરૂરિયાતો ખેતરમાંથી જ પૂરી પાડે છે. આ મોડેલથી પરિવારનું ભોજન ખર્ચ ઘટ્યું છે, તાજું ઉત્પાદન મળે છે અને ખેતીના ઇનપુટ્સ પરની નિર્ભરતા પણ ઓછી થઈ છે, જે ગુજરાતના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 07:08 PM (IST)Updated: Sun, 30 Aug 2026 07:08 PM (IST)
khandha-self-sufficiency-agri-success-story-zero-budget-farming-healthy-food
HIGHLIGHTS
  • કીર્તન પટેલ બહારથી માત્ર મીઠું, ખાંડ અને ચા જ ખરીદે છે, બાકીની તમામ ચીજવસ્તુઓ ખેતરમાંથી જ મળી રહે છે

Natural Farming Success Story: વાઘોડિયા તાલુકાના ખંધા ગામના 32 વર્ષીય કિર્તન કંચન પટેલ માટે ખેતી માત્ર એક વ્યવસાય નથી એ જીવવાની એક શૈલી છે. છેલ્લા સાત વર્ષથી પટેલ તેમના 15 વીઘાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં 11 વીઘામાં ડાંગર (કમોદ) પકવે છે અને બાકીના ચાર વીઘાનો ઉપયોગ તેમના પરિવારની દૈનિક જરૂરિયાતો માટે વિવિધ પાકો ઉગાડવા કરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, તેઓ બહારથી માત્ર મીઠું, ખાંડ અને ચા જ ખરીદે છે, જ્યારે બાકીની તમામ ચીજવસ્તુઓ તેમને પોતાના ખેતરમાંથી જ મળી રહે છે.

તેમનું ચાર વીઘાનું ફૂડ ગાર્ડન શાકભાજી અને ફળ-ફૂલનો બગીચો અદ્ભુત વૈવિધ્ય ધરાવે છે. તેમાં બ્રોકોલી અને લાલ કોબીજ સહિત 30થી વધુ જાતના શાકભાજી તેમજ ખજૂર, ડ્રેગન ફ્રૂટ, નાળિયેર, ચીકુ, સીતાફળ, ચેરી, મોસંબી, ફાલસા, આલુબુખારા (પ્લમ), તાડફળી (આઈસ એપ્પ્લ અને કમરખ જેવા ફળો સામેલ છે.

તેઓ દુર્લભ લાલ જામફળ સહિત જામફળની 7 જાતો અને 8-10 પ્રકારના મસાલા પણ ઉગાડે છે. ખેતરના શેરડીના પાકનો ઉપયોગ ગોળ બનાવવા માટે થાય છે. જ્યારે મગફળી, તલ અને નાળિયેર પરિવારની રસોઈ અને માથામાં નાખવાના તેલની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરે છે.

જેના પરિણામે આ ખેતરે બાહ્ય બજાર પર પરિવારની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કીર્તન પટેલ કહે છે, મીઠું, ખાંડ અને ચા સિવાય અમારે ભાગ્યે જ કંઈ ખરીદવું પડે છે. તેમની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી ઘરના ખોરાકનો ખર્ચ ઘટ્યો છે અને સાથે પરિવારને તાજું ખેત ઉત્પાદન પણ મળે છે. આ મોડેલે ખેતીમાં બહારથી લેવા પડતા કૃષિ ઇનપુટ્સ જેમ કે ખાતર કે અન્ય દવાઓ પરની નિર્ભરતા પણ ઘટાડી છે. જેનાથી ખેતીના આર્થિક લાભો વધુ મજબૂત બન્યા છે. 

પટેલનો આ અનુભવ ગુજરાતમાં પ્રાકૃતિક અને ટકાઉ ખેતી તરફના વ્યાપક પ્રયાસોને દર્શાવે છે, જ્યાં દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી માટેની વિવિધ સહાય યોજનાઓ અને પહેલો દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

તેમની સાત વર્ષની આ સફળ સફર દર્શાવે છે કે, કેવી રીતે પ્રાકૃતિક ખેતી માત્ર પાક ઉત્પાદનથી આગળ વધીને ખાદ્ય સુરક્ષા, સ્વસ્થ જીવનશૈલી, ઘરગથ્થુ બચત અને ખેતરની ટકાઉ આવક ઊભી કરી શકે છે.