Janmashtami Special: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ઘર અને મંદિરમાં શ્રી કૃષ્ણના શ્રૃંગાર અને પૂજા-સેવાની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ જાય... રંગબેરંગી વસ્ત્રો, મોરપીંછના મુગટ, કલાત્મક બંસરી અને સુંદર કુંડળથી ઠાકોરજીને સજાવવાનો ભક્તોનો ભાવ અનોખો હોય છે. આ જ કૃષ્ણભક્તિ અને કલાત્મકતાનો સંગમ રાજકોટના ઉર્વશીબેન સીમેજીયાના જીવનમાં જોવા મળે છે.
ઉર્વશીબેન શ્રી ઠાકોરજી માટે આધુનિક ડીઝાઈનમાં ડાયમંડ સેટ, મુગટ, પાગ, બંસરી, છડી, કુંડલ, કડા, રમકડાં, ગુંજા માળા, પવિત્રા જેવા કલાત્મક શ્રૃંગાર અને સુંદર વસ્ત્રો જાતે તૈયાર કરે છે અને તેનું વેચાણ પણ કરે છે.
તેમની આ કારીગરીમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા સાથે આધુનિક સૌંદર્યની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે. સરકારી મેળાઓનો લાભ લઈને તેમણે એક આત્મનિર્ભર ગૃહિણી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ઉર્વશીબેનની કલા અને ભક્તિનો રંગ હંમેશાં મેળાઓમાં ઝળક્યો છે. ગયા વર્ષે રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં તેમણે ભાગ લીધો હતો, જ્યાં તેમને માત્ર પાંચ દિવસના ટૂંકા સમયમાં રૂ. 50 હજારથી વધુનો વકરો થયો હતો.
આ ઉપરાંત તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા આયોજિત 10 દિવસીય રાખી મેળામાં પણ તેમણે સ્ટોલ લગાવ્યો હતો, જ્યાં રૂ. 30 હજારથી વધુનું વેચાણ થયું હતું.
કેવડાવાડીમાં 'લાલન શ્રૃંગાર' વ્યવસાય થકી આત્મનિર્ભર બનેલા ઉર્વશીબેન સરકાર માન્ય આર્ટિઝન કાર્ડ ધરાવે છે. તેમણે જણાવ્યું કે, જન્માષ્ટમીનો લોકમેળો મહિલા કારીગરો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
તેમણે સરકાર દ્વારા આયોજિત રાજકોટ ઉપરાંત મોરબી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર ખાતેના મેળાઓમાં પણ ભાગ લીધો છે. તેઓ જણાવે છે કે, મેળાઓના કારણે અમને સીધું માર્કેટ અને રોજગારી પૂરી પાડતું પ્લેટફોર્મ મળ્યું છે, જેનાથી પરિવારને આર્થિક ટેકો મળી રહ્યો છે.
