Mahuva Tribal Success Story: બાળકો ભણી-ગણીને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવે, સારા હોદ્દા પર પહોંચી લોકોની સેવા કરે એ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામમાં રહેતા આદિવાસી પરિવારના દેવેન્દ્રભાઈ કાનજીભાઈ મહેતા અને તેમના પત્ની સવિતાબેને પણ આવું જ એક સ્વપ્ન સેવ્યું હતું.
મર્યાદિત આવક, ખેતી અને પશુપાલનના વ્યવસાય વચ્ચે સંતાનોને ડોક્ટર બનાવવાનો માર્ગ કઠિન હતો, પરંતુ અડગ સંકલ્પ, સતત પરિશ્રમ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના બળે આજે આ મહેતા પરિવારે પોતાના બંને સંતાનોને ડોક્ટર બનાવીને સફળતાનો નવો ઇતિહાસ રચ્યો છે.
અનુસૂચિત જનજાતિ (ST) સમાજ સાથે સંકળાયેલા આ પરિવારે વર્ષો સુધી પરસેવો પાડી ખેતી અને પશુપાલન થકી પરિવારનું ભરણપોષણ કર્યું. ખેતીમાંથી મળતી અલ્પ આવક વચ્ચે સંતાનોના ભવિષ્ય અને તેમના ઉચ્ચ શિક્ષણની ચિંતા સતત સતાવતી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અમલી શૈક્ષણિક સહાય યોજનાઓ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ.
આ પરિવારનો મોટા પુત્ર કેયુર મહેતાએ નડિયાદની જે.એસ. આયુર્વેદ કોલેજમાંથી BAMSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, જ્યારે નાનો પુત્ર હર્ષિત ગાંધીનગર સ્થિત જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી MBBSનો અભ્યાસ કરી ડોક્ટર બન્યો છે. બંને પુત્રોની આ ઝળહળતી સિદ્ધિ પાછળ માતા-પિતાના કઠોર પરિશ્રમની સાથે સરકારની 'ફ્રીશિપ કાર્ડ' અને શૈક્ષણિક સહાય યોજનાઓનો મુખ્ય આધાર રહ્યો છે.
માતા સવિતાબેન ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, સરકાર તરફથી મળતી શૈક્ષણિક સહાય અને ફ્રીશિપ કાર્ડના કારણે જ અમારા દીકરાઓને મેડિકલ જેવા ખર્ચાળ ક્ષેત્રમાં અભ્યાસ કરવાની તક મળી. એક સમયે નબળી આર્થિક પરિસ્થિતિ જોતાં આટલો મોટો અભ્યાસ કરાવવો અશક્ય લાગતો હતો, પરંતુ સરકારી સહાયથી આજે એ સપનું હકીકત બની ગયું છે. દીકરાઓ ડોક્ટર બનતા પરિવારની સમૃદ્ધિના નવા દ્વાર ખૂલી ગયા છે.

સમગ્ર પરિવારના વિકાસનો આધાર બની સરકારી સહાય
આ પરિવાર માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ કૃષિ ક્ષેત્રે પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી આત્મનિર્ભર બન્યો છે. ખેતીને વધુ આધુનિક બનાવવા માટે પરિવારને શાકભાજીના માંડવા માટે સહાય, મિની ટ્રેક્ટર ખરીદવા માટે સહાય તેમજ ખેતરમાં પાણીની મોટર માટે સહાય પ્રાપ્ત થઈ છે. આધુનિક સાધન-સહાયથી ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધી અને પરિવારની વાર્ષિક આવકમાં પણ વધારો થયો. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી પાકું અને સુવિધાસભર ઘર પણ બનાવ્યું.
સવિતાબેન ગર્વથી કહે છે કે, અમે જીવનભર ખેતરમાં મહેનત કરી છે અને પશુપાલન કરીને બાળકોને ઉછેર્યા છે. આજે અમારા બંને દીકરાઓ ડોક્ટર બનીને સમાજની સેવા કરવા તૈયાર છે. સરકારની યોજનાઓએ અમારા જેવા સામાન્ય પરિવારને પગભર થવામાં અને આગળ વધવામાં આધાર આપ્યો છે.”
આમ વાછાવડ ગામના મહેતા પરિવારે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી સંતાનોને અગ્રેસર કર્યા અને કૃષિ ક્ષેત્રે પણ સફળતા મેળવી પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
શિક્ષણથી માંડીને ખેતી અને ઘર સુધી સરકારી યોજનાઓનો સથવારો
મહુવાના વાછાવડ ગામના આદિવાસી પરિવારે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી સર્વાંગી વિકાસ સાધ્યો છે. મોટા પુત્ર કેયુરે BAMS અને નાના પુત્ર હર્ષિતે MBBSનો અભ્યાસ સરકારની શૈક્ષણિક સહાય અને ફ્રીશિપ કાર્ડ યોજના થકી પૂર્ણ કર્યો.
ખેતી વ્યવસાયમાં શાકભાજીના માંડવા, મિની ટ્રેક્ટર અને વોટર પંપ સહાય યોજનાનો લાભ લઈને કૃષિમાં આવક બમણી કરી. આ આર્થિક સશક્તિકરણ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સથવારે પરિવારે પોતાનું સ્વપ્નનું પાકું ઘર પણ બનાવી લીધું છે.
