Udhna Railway Station AI Crowd Scanning: દિવાળી અને મહાપર્વ છઠ્ઠ પૂજા નિમિત્તે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓના ભારે ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી મેદાનમાં ઉતારવામાં આવી રહી છે.
દર વર્ષે તહેવારોની સિઝનમાં ઉધના સ્ટેશને અફરાતફરી સર્જાતી હોય છે, જેના પગલે લાઈન વ્યવસ્થા, હોલ્ડિંગ એરિયા અને ટ્રેન મેનેજમેન્ટ રેલવે તંત્ર માટે હંમેશાં એક મોટો માથાનો દુખાવો બની રહે છે. જો કે આ વખતે રેલવે તંત્ર કોઈ સામાન્ય અંદાજ કે ધારણાઓ પર આધાર રાખવાને બદલે સેકન્ડે-સેકન્ડના સચોટ આંકડાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગારી અર્થે સુરતમાં વસે છે અને આગામી સમયમાં દિવાળી, છઠપૂજા સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરતથી લોકો માદરે વતન જતા હોય છે. ત્યારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓના ભારે ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ અને વેઇટિંગ ઝોનમાં ગોઠવાયેલા CCTV કેમેરાના લાઈવ ફૂટેજ સીધા AI સર્વર સાથે કનેક્ટ રહેશે. આ સ્માર્ટ સિસ્ટમ માત્ર મુસાફરોની માથા દીઠ ગણતરી જ નહીં કરે, પરંતુ ભીડ કયા પ્લેટફોર્મ તરફ સરકી રહી છે અને કયા રૂટ પર મુસાફરોનું ભારણ વધી રહ્યું છે તેનું લાઈવ મેપિંગ પણ તૈયાર કરશે.
આ અદ્યતન ટેક્નોલોજી કેમેરાના વીડિયોને ફ્રેમ-ટુ-ફ્રેમ સ્કેન કરે છે અને તેમાં સજ્જ 'કમ્પ્યુટર વિઝન’ મુસાફરોની ગતિવિધિઓને ચોકસાઈપૂર્વક ઓળખીને સચોટ ડેટા તૈયાર કરે છે.
રેલવે સ્ટેશનમાં કેટલા મુસાફર દાખલ થયા, તેનો આંકડો સ્ક્રીન પર સતત ફ્લેશ થશે
આ ઉપરાંત આ સિસ્ટમમાં કામ કરતા 'ઓબ્જેક્ટ ટ્રેકિંગ' અલ્ગોરિધમના કારણે કોઈપણ વ્યક્તિ બે વાર ગણતરીમાં આવતી નથી, જેનાથી ડેટા એકદમ વિશ્વસનીય રહે છે. સ્ટેશનમાં કેટલા પ્રવાસીઓ દાખલ થયા, કેટલા બહાર નીકળ્યા અને કયા સ્પોટ પર બોટલનેક એટલે કે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, તેનો રિયલ ટાઇમ હિસાબ કંટ્રોલ રૂમની સ્ક્રીન પર સતત ફ્લેશ થતો રહેશે.
રેલવે તંત્રના આ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજિકલ અભિગમથી પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થવાની સાથે ભીડ વ્યવસ્થાપન અત્યંત સરળ બનશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોઈ ચોક્કસ ટ્રેન કે રૂટ પર મુસાફરોની સંખ્યા નિર્ધારિત ક્ષમતા કરતાં વધશે કે તરત જ કંટ્રોલ રૂમમાં ઓટોમેટિક સિગ્નલ જશે. સ્થિતિ વણસે તેની રાહ જોવાને બદલે ભીડ એકઠી થવાના સંકેત મળતાં જ વધારાના કોચ જોડવા કે તાબડતોબ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લઈ શકાશે. માત્ર ટિકિટના વેચાણ પર નિર્ભર રહેવાને બદલે સ્ટેશન પર હાજર જીવંત માનવમેદનીના આધારે સુરક્ષા અને પ્લેટફોર્મ ફાળવણીનું આયોજન થશે.
