Rajkot Marwadi University Student Suicide: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક અઠવાડિયાના સમયગાળામાં બે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ સામે આવ્યા બાદ આજે તા. 30 સપ્ટેમ્બરના રોજ ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. બંને વિદ્યાર્થીઓના આપઘાત મામલે નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ABVPના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ABVP દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોની તટસ્થ તપાસ, રેગિંગના આક્ષેપોની તપાસ, વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી પેનલ્ટી બંધ કરવા, ફીમાં કરવામાં આવેલા વધારામાં ઘટાડો કરવા તેમજ યુનિવર્સિટીની ઊંચી ઇમારતોની બાલ્કનીમાં સેફ્ટી ગ્રિલ લગાવવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.
રાજકોટ શહેર ABVPના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીના આપઘાતના બનાવ બાદ વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ABVPના કાર્યકર્તાઓને યુનિવર્સિટીના ગેટ પર અટકાવવામાં આવ્યા હતા અને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહતો. અગાઉ એક વિદ્યાર્થિનીના આપઘાત બાદ પણ ABVP દ્વારા ઊંચા માળની બાલ્કનીઓમાં સેફ્ટી ગ્રિલ લગાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે સેફ્ટી ગ્રિલ લગાવવામાં આવી ન હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, વધુ એક વિદ્યાર્થીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાલ્કનીમાં તાત્કાલિક સેફ્ટી ગ્રિલ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ABVP દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ ફીમાં કરવામાં આવેલા વધારામાં ઘટાડો કરવા તેમજ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી પેનલ્ટીની રકમ ઘટાડવા અથવા તેને બંધ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન આવે તે માટે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
બંને વિદ્યાર્થીઓના આપઘાત મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરતાં ABVPના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, એક વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત દરમિયાન પરિવારજનો દ્વારા રેગિંગ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું તેમના દ્વારા જણાવાયું છે. આ આક્ષેપોની પણ તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીના પરિવારની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવાર સાથે આગળની ચર્ચા બાદ ABVP દ્વારા આ મુદ્દે વધુ રજૂઆત કરવામાં આવશે.ABVP દ્વારા પોલીસ પ્રશાસન અને મારવાડી યુનિવર્સિટી પ્રશાસનને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીરતાથી કામગીરી કરવા અપીલ કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન ABVPના કાર્યકર્તાઓએ વિવિધ માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું હતું.
