પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં 3 ઓક્ટોબર સુધી વરસાદનો છેલ્લો રાઉન્ડ, ગાજવીજ સાથે 2 ઈંચ સુધીના ઝાપટા પડશે

ગુજરાતમાંથી ચોમાસું 5 ઓક્ટોબર સુધીમાં વિદાય લેશે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન વરસાદના અંતિમ રાઉન્ડની આગાહી કરી છે. આ રાઉન્ડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડશે, જેમાં અમુક સ્થળોએ 2 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Sep 2026 12:00 AM (IST)Updated: Wed, 30 Sep 2026 12:00 AM (IST)
gujarat-weather-update-paresh-goswami-rain-forecast-final-monsoon-spell-till-october-3

Paresh Goswami Rain Forecast: જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં પ્રવેશેલા નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આગામી 5 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિધિવત વિદાય લઈ લેશે. એવામાં ચોમાસાની વિદાય પહેલા રાજ્યમાં વરસાદનો એક આખરી રાઉન્ડ જોવા મળશે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, છેલ્લા એક દાયકાની સરખામણીએ આ વર્ષનું ચોમાસું ઘણું નબળું રહ્યું છે. કેટલાક ભાગોમાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ આવશે.

આ વરસાદ સાર્વત્રિક રહેવાને બદલે મુખ્યત્વે થંડરસ્ટોર્મ એક્ટિવિટી આધારિત રહેશે. જેના પરિણામે વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડશે. આ રાઉન્ડમાં એવું પણ બની શકે કે, એક જ ગામના અડધા ભાગમાં વરસાદ પડે અને અડધો ભાગ કોરો રહે.


કયા વિસ્તારોમાં કેવો રહેશે વરસાદ?

દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા અને તાપી સહિતના તમામ વિસ્તારોમાં હળવા-સામાન્ય છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. કોઈ એક-બે સ્થળે થંડરસ્ટોર્મ વધારે થાય તો 1 થી 2 ઈંચ વરસાદ પણ નોંધાઈ શકે છે

સૌરાષ્ટ્ર: ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લાના છૂટાછવાયા ગામોમાં ઝાપટાં પડવાની સંભાવના છે. અહીં પણ અમુક ભાગોમાં 2 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

કચ્છ: કચ્છમાં સૌરાષ્ટ્રની સરખામણીએ વરસાદની તીવ્રતા ઓછી રહેશે. જેમાં માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, ભુજ અને ભચાઉના દક્ષિણ વિસ્તારો તેમજ સામખીયાળીથી રાપર સુધીના ભાગોમાં હળવા-મધ્યમ ઝાપટાં પડી શકે છે


તારીખ પ્રમાણે જોઈએ તો, 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તથા 1 થી 3 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સીમિત વિસ્તારોમાં આ રાઉન્ડની અસર જોવા મળી શકે છે. જે બાદ 4 ઓક્ટોબરથી ઉઘાડ નીકળશે.

આગામી 4 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદની કોઈ જ શક્યતા નથી. આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આવનારા કોઈપણ વરસાદને માવઠું ગણવામાં આવશે.