Rajkot: વીજ લાઈનો માટે જમીન સંપાદન સામે રાજકોટ જિલ્લાના 300 ગામોનો વિરોધ, ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું

રાજકોટ જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનો માટે જમીન સંપાદન સામે 300થી વધુ ગામોના ખેડૂતોએ વિરોધ કર્યો. તેમણે કલેક્ટરની નોટિસ રદ કરી ટેલિગ્રાફ એક્ટ મુજબ સંપૂર્ણ વળતરની માંગ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 11:11 PM (IST)Updated: Tue, 29 Sep 2026 11:11 PM (IST)
rajkot-farmers-protest-300-villages-oppose-power-line-land-acquisition

Rajkot Farmer Protest Land Acquisition Row: રાજકોટ જિલ્લામાં પ્રસ્થાપિત થનાર ટ્રાન્સમિશન લાઈન અને ટ્રાન્સમિશન ટાવર માટે ખેડૂતોની જમીનના વળતરના બજારભાવ નક્કી કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હવે ખેડૂતોએ કાયદાકીય લડત શરૂ કરી છે. લોધિકા અને પડધરી તાલુકા સહિત જિલ્લાના 300થી વધુ ગામોના ખેડૂતોએ ગ્રામ પંચાયતના ઠરાવ સાથે જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપીને નોટિસ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ટ્રાન્સમિશન લાઈન નાખતી કંપની દ્વારા વર્ષ 2015થી ટેલિગ્રાફ ઓથોરીટી તરીકે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આજદિન સુધી અસરગ્રસ્ત ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટ હેઠળ કોઈ કાયદેસર નોટિસ આપવામાં આવી નથી. જ્યારે મૂળ કંપનીએ જ નોટિસ નથી આપી, ત્યારે કલેક્ટર કચેરી દ્વારા બજારભાવ નક્કી કરવા માટે આપવામાં આવેલી સંદર્ભવાળી નોટિસ પણ કાયદાની દૃષ્ટિએ ટકી શકે તેમ નથી.

ખેડૂતોનો બીજો ગંભીર આક્ષેપ એ છે કે, કંપની છેલ્લા 10 વર્ષથી તેમની જમીનમાં ટાવર અને લાઈનના નામે ગેરકાયદેસર કબજો કરીને ઉપયોગ કરી રહી છે. ટેલિગ્રાફ એક્ટની કલમ-10(ડી) મુજબ જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની ટ્રાન્સમિશન લાઈન નાખે ત્યારે ખેડૂતને થતા તમામ નુકસાનની પૂરેપૂરી ચૂકવણી કરવાની મેન્ડેટરી જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું નથી.

આ અરજીમાં સૌથી મહત્વની બાબત એ છે કે, રાજકોટ જિલ્લાના 300થી વધુ ગામ પંચાયતોએ સર્વાનુમતે ઠરાવ કરીને સદરહુ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, ગામ પંચાયતોના ઠરાવ છતાં અને ખેડૂતોની સંમતિ વગર કલેક્ટર દ્વારા બજારભાવ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવી એ ન્યાયોચિત નથી.

ખેડૂતોએ તેમની વાંધા અરજીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઈલેક્ટ્રીસીટી એક્ટ-2003 અને ટેલિગ્રાફ એક્ટ-1888 હેઠળ જે મેન્ડેટરી જોગવાઈઓ છે તેનું સંપૂર્ણ પાલન કરવું ફરજિયાત છે. જ્યારે સેન્ટ્રલ એક્ટ હોય ત્યારે રાજ્ય સરકાર કે તેના કોઈ વિભાગ દ્વારા કોઈ માર્ગદર્શિકા કે ઠરાવથી આ જોગવાઈને બદલી શકાય નહીં.

ઉર્જા વિભાગના તા.04/09/2024ના ઠરાવ કે અન્ય કોઈ માર્ગદર્શિકા એ ટેલિગ્રાફ એક્ટની કલમ-10(ડી)ની જોગવાઈથી બહાર નથી.
વધુમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, ટેલિગ્રાફ એક્ટની કલમ-10(ડી) હેઠળ મળતા કાયદાકીય હક્કો છીનવાઈ જાય તે રીતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ભારે વિરોધ હોવા છતાં આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. હાલ આ વાંધા અરજીને લઈને જિલ્લા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સમગ્ર જિલ્લાના ખેડૂતોની નજર મંડાયેલી છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ
1. કલેક્ટર દ્વારા આપવામાં આવેલી બજારભાવ નક્કી કરવાની નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
2. ટેલિગ્રાફ એક્ટની કલમ-10(ડી) મુજબ ખેડૂતોને થયેલ સંપૂર્ણ નુકસાની - જમીનની કિંમત, ટાવર બેઝની જગ્યા, પાક નુકસાની અને લાઈન હેઠળ આવતી જમીનનું પૂરેપૂરું વળતર બજારભાવ મુજબ ચૂકવવામાં આવે.
3. કાયદા વિરુદ્ધના ગેરકાયદેસર રીતે પરિપત્ર કે ઠરાવ આધારિત વળતર નક્કી કરવાની પ્રક્રિયા બંધ કરી કાયદાની મેન્ડેટરી જોગવાઈ મુજબ જ સદર નોટિસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.