સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં પલટોઃ ચોમાસામાં વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝાપટાં

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત બાદ દેવભૂમી-દ્વારકા, કચ્છ અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવન અને ગાજવીજ સાથેના આ વરસાદથી મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Oct 2026 06:58 PM (IST)Updated: Sat, 17 Oct 2026 06:58 PM (IST)
unseasonal-rain-in-gujarat-thunderstorms-hit-dwarka-porbandar-and-kutch-amid-monsoon-retreat

Gujarat Weather Update: હજુ બે દિવસ પહેલા જ ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમના ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. એવામાં દેવભૂમી-દ્વારકા જિલ્લામાં ચોમાસાની વિદાય બાદ વરસાદી માહોલ છવાયો છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલ રહ્યું હતુ. ખાસ કરીને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ભાણવડ તાલુકાના ગુંદા, સાજડીયારી સહિતના ગામડાઓમાં એકાએક વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદમાં ખેલૈયાઓ સાથે સાયબર ફ્રોડઃ ઈન્સ્ટાગ્રામ ID પર ડિસ્કાઉન્ટની લાલચ આપીને ગરબાના બોગસ પાસ પધરાવી દીધા

ભાણવડના ગુંદા ગામમાં સુસવાટા મારતા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે ચોમાસાની વિદાય બાદ હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના ઉભા કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.

દ્વારકા ઉપરાંત કચ્છ અને પોરબંદર જિલ્લામાં પણ મોડી સાંજે હવામાનમાં પલટો નોંધાયો હતો. જેમાં મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે પોરબંદર જિલ્લાના સોઢાણા, અડવાણા, સીમર અને રાજીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ખાસ વાત છે કે, ચોમાસા દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સૌથી વધુ ઘટ વર્તાઈ હતી.

જણાવી દઈએ કે, ભારતમાં બે પ્રકારના ચોમાસા જોવા મળે છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહે છે. જ્યારે ઉત્તર-પૂર્વીય ચોમાસું ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સક્રિય રહે છે. આ દરમિયાન પડતા વરસાદને પાછોતરો વરસાદ ગણવામાં આવે છે.