Fake Navratri Pass Scam Ahmedabad: સાયબર ગઠિયાઓ લોકોને ઠગવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે, ત્યારે હવે ગરબાના નકલી ઑનલાઈન પાસ પધરાવીને ખેલૈયાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં વીર.રાજપૂત નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી 'અનંત બ્રહ્માંડ' દ્વારા આયોજિત ગરબાના બોગસ પાસનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા આયોજકો દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે સાયબર ક્રાઈમમાં દાખલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદ એક્સપિરિયન્સ એક્સચેન્જ કંપની દ્વારા રાંચરડા-થોળ રોડ પર અરવિંદ એપલવુડ્સ પાસે 'અનંત બ્રહ્માંડ' નામે 14 ઓક્ટોબરના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના માટે ઓગસ્ટ મહિનાથી રૂ. 4 થી 10 હજારમાં ઑનલાઈન ટિકિટ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતુ.
આ દરમિયાન એક ગ્રાહકે વીર રાજપૂતના ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પાસેથી રૂ. 3100માં ઑનલાઈન ટિકિટ ખરીદી હતી. જેની ખરાઈ કરાવવા માટે ગ્રાહકે આયોજકોનો સંપર્ક સાધ્યો હતો. જેની તપાસ કરતાં આ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ગરબાના બોગસ પાસ વેચાઈ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેમાં રૂ. 6 હજારના પાસ ડિસ્કાઉન્ટ સાથે 4 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ.
આટલું જ નહીં, અજાણ્યા ઈસમોએ લોકોને ઠગવા માટે કંપનીના ડોમેન સાથેનું બોગસ ઈમેઈલ એડ્રેસ પણ બનાવ્યું હતુ. આમ ગઠિયાઓએ ઈવેન્ટ પાસ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવા માટે 'અનંત બ્રહ્માંડ ગરબા'ના અધિકૃત નામ, લોગો અને બ્રાન્ડિંગનો લોકોને ઠગવા માટે દુરુપયોગ કર્યો હતો.
આખરે આયોજકોએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ગરબાના પાસ ઈવેન્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદવાની તાકિદ કરવામાં આવી છે.
