Ahmedabad Safed Parinde Garba: અમદાવાદ નજીક લપકામણ સ્થિત 'કસુંબલ નેસ' ખાતે આયોજિત જાણીતા 'સફેદ પરિંદે' ગરબાના આયોજનમાં ગેરવ્યવસ્થાને લઈને સવાલ ઉભા થયા છે. હકીકતમાં 'સફેદ પરિંદે'ના ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓને અનલિમિટેડ ફૂડ સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે 15 હજાર રૂપિયા ખર્ચીને સફેદ પરિંદેમાં ગરબા રમવા પહોંચેલા ખૈલેયાઓને જમવાનું ના મળતા હોબાળો મચી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લપકામણ સ્થિત કસુંબલ નેસ ખાતે આયોજકો દ્વારા 16 અને 17 ઓક્ટોબર એમ બે દિવસ દરમિયાન 'સફેદ પરિંદે' નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયોજકો દ્વારા 15 હજારના પાસ પર અનલિમિટેડ ફૂડની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પ્રથમ દિવસે જ રાતે 9 વાગ્યે ગરબા શરૂ થયાના બે કલાકમાં જ 11 વાગ્યાની આસપાસ ભોજન ખૂટી પડ્યું હતુ.
આ સંદર્ભે ખેલૈયાઓ દ્વારા આયોજકો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ સંતોષજનક જવાબ નહતો મળ્યો. આખરે સ્થિતિ એવી સર્જાઈ હતી કે, કેટરિંગ સ્ટાફની ગેરહાજરીમાં ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ જાતે જ ચા-કોફી અને નાસ્તા બનાવવાનું બનાવવાનું શરૂ કરી દીધુ હતુ. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આટલું જ નહીં, ગરબા ગ્રાઉન્ડમાં ભીડ વધી જતા આયોજકો દ્વારા મુખ્ય ગેટ પરથી એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે હજારો રૂપિયા ખર્ચીને પાસ ખરીદવા છતાં ગ્રાઉન્ડમાં પ્રવેશ ના મળવાથી ખેલૈયાઓનો આક્રોશ વધારે ભભૂકી ઉઠ્યો હતો. આખરે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.
