Aam Janmat Party Donation Scam: અમદાવાદમાંથી માત્ર કાગળ પર ચાલતી રાજકીય પાર્ટી દ્વારા કરોડો રૂપિયાનું કાળું નાણું ધોળું કરવાનું અને ટેક્સ ચોરી કરાવવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના ન્યૂ નરોડા વિસ્તારમાં રજિસ્ટર્ડ થયેલી આમ જનતા પાર્ટી નામની રાજકીય પાર્ટીનો મુખ્ય હેતું નાણાંની હેરાફેરી કરવાનો જ હોવાનું સામે આવ્યું છે.
લોકસભા ચૂંટણી પૂર્વે આમ જનતા પાર્ટી દ્વારા રૂ. 843 કરોડથી વધુ રકમનું બોગસ ડોનેશન મેળવીને સરકારી તિજોરીને 250 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હવે આ સમગ્ર મામલે ઈન્કમટેક્સ વિભાગ અને સીઆઈડી ક્રાઈમે આમ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ મિશ્રા, CA મયુર સિંહ સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
હકીકતમાં ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે કામ કરી રહેલી સંસ્થા એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ગત લોકસભા ચૂંટણી પૂર્વે કેટલીક રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીઓને મળેલા કરોડો રૂપિયાના ડોનેશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝારખંડના રાંચીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળેલા ડેટાની તપાસમાં સામે આવ્યું હતું કે, આમ જનમત પાર્ટીનું ચૂંટણી લડવાનો ઈરાદો જ નહતો. આ પાર્ટી માત્ર કમિશન કમાવવાના ઉદ્દેશ્ય સાથે ઉભી કરવામાં આવી હતી. જેમાં દેશના મોટા પ્રમાણમાં દાન મેળવીને ઈન્કમટેક્સ એક્ટની કલમ હેઠળ ટેક્સ કપાત મેળવવા માટે બોગસ રસિદો બનાવવામાં આવતી હતી. જે બાદ પોતાનું કમિશન કાપીને કરદાતાને બાકીની રકમ પરત કરવામાં આવતી હતી.
CID ક્રાઈમ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વર્ષ 2022 થી 2024 દરમિયાન મળેલા કુલ 843 કરોડથી વધુ બોગસ ડોનેશન મામલે FIR દાખલ કરી છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ મિશ્રા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, દિનેશ જૈન, આકાશ સોની તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર સિંહ સહિત 7 લોકો વિરુદ્ધ બોગસ ડોનેશન મેળવીને સરકારી તિજોરીને રૂ. 250 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે ગુનો નોંધ્યો છે. આ સાથે જ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
