દિવાળી ટાણે રાજકોટના સાંગણવા ચોકમાં CGSTના દરોડાથી વેપારીઓમાં રોષ: ધંધા-રોજગાર બંધ કરી રસ્તા પર ઉતર્યા

દિવાળીની સિઝનમાં રાજકોટના સાંગણવા ચોક વિસ્તારમાં CGSTના દરોડાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વેપારીઓએ દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Oct 2026 05:15 PM (IST)Updated: Sat, 17 Oct 2026 05:15 PM (IST)
rajkot-news-rajkot-sanganwa-chowk-cgst-raid-traders-protest-and-shut-shops-ahead-of-diwali

Rajkot CGST Raid Traders Protest: દિવાળી અને તહેવારોની સિઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે જ સેન્ટ્રલ GST વિભાગ દ્વારા અચાનક પાડવામાં આવેલા દરોડાને પગલે સાંગણવા ચોક વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે.

સવારના સમયે 8 થી 9 જેટલી દુકાનો અને ગોડાઉન પર તપાસ શરૂ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓએ એકત્ર થઈ પોતાના ધંધા-રોજગાર સદંતર બંધ કરી દીધા હતા. તેમજ CGSTના અધિકારી સાથે ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું. આ સાથે વેપારીઓ એ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસે દરમિયાનગીરી કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.


નવરાત્રિ-દિવાળીની સિઝનમાં જ દરોડાથી રોષ

આ મામલે વેપારી આગેવાને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ચોમાસા અને કમોસમી વરસાદના કારણે પહેલેથી જ વેપાર-ધંધા મંદીનો સામનો કરી રહ્યા છે. હાલ નવરાત્રિ અને દિવાળીનો સમયગાળો હોવાથી વેપારીઓ માટે વર્ષનો સૌથી મુખ્ય બિઝનેસ કરવાનો સમય છે. આવા સમયે સવારના 9 થી 10 વાગ્યાથી જ CGST વિભાગ દ્વારા દુકાનો પર દરોડા પાડીને વેપારીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. મોટા માથાઓને છોડીને માત્ર નાના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત

સાંગણવા ચોક વિસ્તારમાં અંદાજે 400 થી 450 જેટલા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. અચાનક થયેલી આ કાર્યવાહી સામે વેપારી એકતા દર્શાવી તમામ એકઠા થયા હતા. વેપારી આગેવાનો દ્વારા આ મામલે સ્થાનિક ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભાજપ સંગઠન સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે.

વેપારીઓની સ્પષ્ટ માંગણી છે કે, તહેવારોના દિવસો દરમિયાન આ પ્રકારની તાનાશાહી બંધ કરવામાં આવે અને નાના વેપારીઓને કોઈપણ પ્રકારની પજવણી કર્યા વિના શાંતિપૂર્ણ રીતે વેપાર કરવા દેવામાં આવે.