Hiten Kumar Interview: ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર શોના વિવાદથી લઈને ગુજરાતી સિનેમાના ભવિષ્ય પર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જાણો હિતેન કુમાર હીરોના દેખાવને લઈ ક્યો સ્ટીરિયો ટાઈપ તોડવા માગે છે… વાંચો આ ઈન્ટરવ્યુ
ગુજરાતી જાગરણ: તમે શું વિચારીને સિનેમાજગતમાં પગ મુક્યો કે આ કળાને ક્યાં સુધી લઈ જશો?
હિતેન કુમાર: કલા કરતાં વધારે મારે આ ભીડનો હિસ્સો નહોતું બનવું. શરૂઆતમાં તો ખબર જ ન હતી કે આ ક્ષેત્રમાં હું કયા લેવલ પર પહોંચી શકીશ. પણ બાળપણ મેં મુંબઈની ચોલમાં કાઢ્યું જ્યાં પચરંગી વસ્તી હોય, જ્યાં મોટા ભાગના 90 થી 95 ટકા લોકો 9થી 5 ની જોબ કરતાં હોય. કોઈ ઓફિસમાં, કોઈ નાના કારખાનાઓમાં કામ કરતાં હોય. જે સવારના સાત વાગે નીકળી જાય અને સાંજે સાત વાગે આવી જાય. આ તેમની રુટિન જિંદગી મેં જોઈ હતી. મુંબઈની ટ્રેનમાં ઓફિસ જવાનું અને સાંજે આવી જવાનું. મારા પિતા પણ એક જોબ કરતાં હતા. ત્યારે 12- 13 વર્ષની ઉંમરે મારામાં રોપાઈ ગયેલું કે મારે આ પ્રકારની જોબવાળી જિંદગી તો નથી જ જીવવી જે ટોળામાં જીવાતી હોય, તમારી પોતાની કોઈ ઓળખ ન હોય. લગભગ સોળેક વર્ષનો હોઈશ અને 10માં ધોરણમાં નાપાસ થયો અને તે દરમિયાન બે ત્રણ મહિનાના ગાળા દરમિયાન મારી એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ તેઓ જે ભાષામાં વાત કરતાં હતા એ ભાષા મને પોતીકી લાગી તે નાટકની દુનિયાની હતી. એમની સાથે એમના પ્રોસેસમાં હું જોડાયો. ત્યારે મને અંદરથી એવું લાગ્યું કે આ લોકો જે કરી રહ્યા છે તેમની કરતાં તો મારામાં ક્ષમતા વધારે છે. હું આના કરતાં પણ વધારે સારું કરી શકું છું.આ સમજણને કારણે હું તેમાં આગળ વધ્યો અને ધીમે ધીમે મેં મારી જાતને આમાં આગળ વધારવાની શરૂ કરી. કોલેજના પાંચ છ વર્ષોમાં સ્પર્ધાઓ દરમિયાન હું મારી જાતને સમજતો થયો અને એક્ટર તરીકે મેં આગળ શરૂઆત કરી.

1990ની આસપાસ ગુજરાતી સિનેમામાં પગ મુક્યા બાદ મને એ સમજાયું કે મારે સહજતા લાવવી છે પરફોર્મમાં, અભિનયમાં. એ સમયે લોકો બહુ નાયકીય રીતે અભિવ્યક્તિ કરતા હતા અને મારે નેચરલ લેવલ પર આ વસ્તુ લાવવી હતી, એના મેં સતત પ્રયત્નો કર્યા અને આજે આ લેવેલ પર હું પહોંચી શક્યો છું. છેલ્લા પાંચ વર્ષોથી એવું લાગે છે કે મારે જે સુર જોઈતો હતો એ મને મળી ગયો છે. એ વખતે એવું મનમાં ન હતું કે હું કંઈક પુરવાર કરી લઈશ.પણ મારે મારી જાતને સાબિત કરવી હતી કે હું ટોળાનો માણસ નથી, એમના કરતાં હું કંઈક જુદો છું. આ કોઈ મહાન સિદ્ધિ નથી પણ ટોળામાંથી નીકળેલા એક માણસની પોતાના ઓળખની શોધ હતી.
ગુજરાતી જાગરણ: પહેલા અને અત્યારની ફિલ્મો શૂટિંગની રીતે કઈ રીતે અલગ છે?
હિતેન કુમાર:પહેલા અમે શૂટિંગ કરતી વખતે સ્વયં સ્ફુરણાથી કામ કરતાં હતા. દિગ્દર્શક અને એક્ટર પરફોર્મ કર્યા બાદ તેને મોનિટર પર જોઈ શકતા ન હતા. એટલે મેન્ટલી તૈયાર થઈને શોટ આપવો પડતો હતો. વારંવાર રિટેક કરવું ખૂબ મોઘું પડતું હતું. અત્યારે ડિજિટલના જમાનામાં શોટ કરી લીધા પછી તરત જ મોનિટર પર જઈને ચેક કરી શકો છો કે આમાં ક્યાં મારી ભૂલ થઈ છે, ક્યાં સુધારી શકું એમ છું. પણ ક્યાંક એવું લાગે છે સ્વયં સ્ફુરણા ઓછી વપરાઈ રહી છે. જેમાં પરફોર્મન્સની જગ્યા ઓછી થઈ રહી છે. એકવાર જોયા પછી ભૂલાઈ જાય છે. પહેલાના ગીતો તમે જોઈ લો, દાયકાઓ સુધી લોકોને યાદ રહેતા હતા, અત્યારે ગીતો તમને થિયેટરમાં જોવા ખૂબ ગમે, સાંભળવા ખૂબ ગમે. પણ તમે જેવા ગાડીમાં બેસો એવા ભૂલાઈ જતાં હોય છે. લાંબા સમય સુધી યાદ રહે તેવા પરફોમન્સ ઘટી રહ્યા છે.
પહેલા મારી સાથે જે લોકો કામ કરતાં હતા તેઓ એટલા ભણેલા ન હતા. જ્યારે અત્યારનું આખું એજ્યુકેશન ખૂબ ભણેલું છે. એમને ટેક્નીકલ બધું ખબર છે, તેઓ ચોક્કસ કઈ દિશામાં અને ફિલ્ડમાં કામ કરી રહ્યા છે તે એમને જાણ છે. સિનેમા વિશે ઘણું બધુ જાણે છે. જેથી લોકો સ્વયં સ્ફુરણા કરતાં ટેકનિકલ પર વધારે નભતાં થઈ ગયા છે. પરંતુ બદલાતા સમયની સાથે તમારે આગળ વધવું જ પડે. અને મને આનંદ છે કે હું તે કરી શક્યો છું.
ગુજરાતી જાગરણ: તમે મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મમાં રામલાનો જે રોલ કર્યો જેણે ખૂબ ઉંડી છાપ છોડી તેનો કોઈ અનુભવ
હિતેન કુમાર: આ ફિલ્મ બાદ એ સમયે પણ રોજે મને એટલા સુંદર મેસેજ મળતા. આજે પણ સ્ત્રીઓ મેસેજ કરે છે. જેણે યુવાનીમાં મારી 1997ની સાલમાં આવેલી ફિલ્મ મૈયરમાં મનડુ નથી માનતુ ફિલ્મ જોઈ હોય એ આજે પ્રેમની અભિવ્યક્તિ પણ આજે 55 વર્ષની ઉંમરે એટલી જ સુંદર ભાવનાઓ અને સંવેદનાઓ સાથે વ્યક્ત કરી શકે છે.
મજાની વાત એ છે નાની 6 કે 7 વર્ષની છોકરીઓ મારા એ સમયના ગીતો પર વીડિયો બનાવીને મને મોકલે છે. ઈંગ્લેન્ડમાંથી પણ બે બહેનો એક ચાર વર્ષની અને 6 વર્ષની છે. એમના પણ વીડિયો મને વારંવાર મળે છે. કેનેડાથી યુએસથી. એનું કારણ એ છે કે એ પાત્રમાં બહુ મુગ્ઘતા, પવિત્રતા હતી એ પાત્રમાં, સંબંધોમાં. જે આજ સુધી લોકો સુધી પહોંચી છે તેમના સંગીત અને લાગણીઓ થકી.
ગુજરાતી જાગરણ: જ્યારે મહિલાઓ ઘરની બહાર પણ નીકળતી ન હતી, ત્યારે એ જમાનામાં અભિનેત્રીઓનો પ્રભાવ કેવો હતો?
હિતેન કુમાર: ગુજરાતની એ સમયની જે અભિનેત્રીઓ હતી એમાંથી 95 ટકા પરભાષી હતી. એ સમયે 48 ડિગ્રીની ગરમીમાં તમારે ડુંગરાઓમાં કામ કરવું પડે, એક છત્રી હેઠળ એ ગુજરાતી છોકરી કરી શકતી ન હતી. એ સમયે જેમાં સ્નેહલતા મરાઠી હતા. આનંદી ત્રિપાઠી ઈન્દોરથી આવેલા હતા. એવી ઘણી છોકરીઓ જે પરભાષી હતી. તેઓ ખૂબ જ મહેનતુ હતા. તેઓ કામ માટે પોતાનું વતન છોડીને મુંબઈ આવેલા અને ત્યાંથી ગુજરાતી ફિલ્મોમાં તેમણે પોતાનું સ્થાન બનાવ્યું હતું.
રોમા માણેક એટલી મોટી સ્ટાર હતી કે તેઓ જ્યારે સેટ ઉપર આવતાં ત્યારે દરેકે દરેક વ્યક્તિ પાછળ ફરીને તેમને જુએ એવો તેમનો પ્રભાવ હતો. તેઓ જે પ્રકારે સોગ્સ શૂટ કરતા હતા એમની પાસેથી હું ઘણું શીખ્યો છું. પરંતુ હાલ તેઓ સિનેમા સાથે સંકળાયેલા નથી. સમયની સાથે તમારી સિનેમા માટેની ભૂખ હોય કે હજુ તમારે કેટલું કરવું છે. એ ભૂખ તમારી ઓછી થાય ત્યારે આજના આ પરિવર્તનના યુગમાં તમે તમારી જાતને ન ટકાવી શકો. મોટા ભાગની અભિનેત્રીઓએ રિટાયરમેન્ટ લઈ લીધું છે. પણ લોકોની યાદોમાં આજે પણ એ લોકો કાયમ છે.
સમય બદલાયો તેમ તેમ ફેસિલિટી વધી તેમ તેમ આ માધ્યમ પ્રત્યે જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઈ. અને આજે તમે જુઓ કે 99% આપણે ત્યાં આપણી ભાષાની આપણી ગુજરાતી છોકરીઓ છે અને બહુ સુંદર કામ કરી રહી છે. એ સમયની જે મહેનત હતી એ આજના જમાનાએ જોઈ નથી.
ગુજરાતી જાગરણ: ફિલ્મોની સફળતાની સાથે તમને જે સ્ટારડમ મળ્યું તેનાથી તમારા જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા ?
હિતેન કુમાર: લોકો મને એવું કહે છે કે આજે પણ હું પ્રોફેશનલી ગ્રાઉન્ડેડ છું. મારું વર્તન ખૂબ જ નોર્મલ છે. મેં મારામાં એ અભિમાન ક્યારેય પ્રવેશવા જ નથી દીધું. મારા માસ્ટર્સની ભૂલોની પણ મેં નોંધ લીધી છે. જેના જુદા વર્તનને કારણે લોકો તેમનાથી દૂર રહ્યા. મને એવું લાગતું કે મારા અને પ્રેક્ષકો વચ્ચે કોઈ અંતર રહેવું ન જોઈએ. મારા દર્શકોના પ્રેમ થકી જ બધુ છે તો મારે અભિમાનના કોચલામાં શા માટે રહેવું જોઈએ ?
ઘણીવાર અભિનેતાઓ પણ લોકોની સમક્ષ જવાનુ ટાળતાં હોય છે તેનું કારણ હોય તે દર્શકે તેમની કલ્પનામાં જે પાત્રની ઈમેજ બનાવી છે. જે દુનિયા બનાવી છે, એ તૂટે નહિ એટલા માટે.

ગુજરાતી જાગરણ: તમારા જીવનનો એવો કોઈ પ્રસંગ કે તમે નિરાશા અનુભવી હોય
હિતેન કુમાર: હા ઘણા બધા પ્રસંગો આવ્યા. જેમ કે તમારી કોઈ ફિલ્મ હિટ થાય તો ઈન્ડસ્ટ્રીમાં તમારા માટે કોઈ અલગ જ જગ્યા હોય. ક્યારેક એવો તબક્કો પણ આવે કે ખૂબ સુંદર કામ કરવા છતાં ફિલ્મને એટલી સફળતા ન મળે તો લોકોના બદલાતા રંગો પણ ખૂબ જોયા છે. તમારી સાથે તમારો પરિવાર કે જીવનસાથી હોય તો તમે આ તબક્કામાંથી બહાર નીકળી શકો. કોઈ વ્યસનને અડ્યા વિના. આ એવું ક્ષેત્ર છે કે જેમાં આવતીકાલની કોઈ ગેંરટી નથી કે જેમાં તમારી પાસે કોઈ એવો રોલ કે ફિલ્મ આવી જાય ને તમે દર્શકોના દિલમાં પ્રભાવ પાડી દેશો. ફિલ્મ કર્યા પછી એ પ્રોપર રીતે રજૂ થાય એ પણ જરૂર છે.
ગુજરાતી જાગરણ: ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે આપણને હજી પણ જૂના જમાનાના ફિલ્મોની તસવીર જ નજરે પડે છે, તો ક્યાં ખેડાણ કરવાનું રહી ગયું ?
હિતેન કુમાર: દરેક ઇન્ડસ્ટ્રીની અંદર એવું બન્યું કે દાયકાઓ સુધી ફિલ્મો યાદ રહેતી હતી અને હવે તમને બે મહિના પહેલા આવેલી ફિલ્મ યાદ નથી રહેતી. જિંદગી ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે. તમારી પાસે કરતા વધુ ચોઇસ છે. એક પછી એક પ્રોડક્ટની જેમ ફિલ્મો બની રહી છે. હદય કરતાં વધુ ગણિતથી ફિલ્મ બનાવતા થયા છો, તમારો બિઝનેસ પ્રોપર થઈ જાય, બે ત્રણ મહિના લોકો યાદ રાખે અને પછી તેના રિપ્લેસમેન્ટમાં બીજી ફિલ્મો આવતી રહે. સક્સેસ ફિલ્મો આવશે પણ બે દાયકા પછી એ યાદ પણ નહિ હોય. આપણે આ ગતિશીલ સમયમાં પણ એવું કામ કરવું પડશે કે લોકોને થોડાક વર્ષો યાદ રહી શકો. હું એ પ્રયત્નો કરી રહ્યો છું કે દરેક પ્રોજેક્ટ સાથે માટે કામની તીવ્રતા એટલી વધારું કે લોકો પર પ્રભાવ થોડા વર્ષો પાથરી શકાય.
ગુજરાતી જાગરણ: સાઉથની લોકલ ભાષામાં બનેલી ફિલ્મો હિન્દી ભાષા સહિત અન્ય ભાષાઓમાં પણ પોપ્યુલર થાય છે તો ગુજરાતી ફિલ્મો કેમ નથી થતી ?
હિતેન કુમાર: આપણે શહેરો આધારિત ફિલ્મો બનાવતા થઈ ગયા છીએ. દસેક વર્ષોમાં તમે જુઓ કે શહેરના બેકગ્રાઉન્ડ સાથે ફિલ્મો આવી છે. તેનાથી 85 ટકા ગુજરાત કે જે નાના સ્મોલ ટાઉન માં અને ગામડાઓમાં લોકો વસે છે તેમના સુધી આપણા વિષયો કે આપણા પાત્રો પહોંચાડી શક્યા નથી. હવે સાઉથની ફિલ્મો જુઓ તો દસમાંથી નવ ફિલ્મો નાના ટાઉનની ફિલ્મો હશે, મધ્યમ વર્ગમાંથી આવેલો નાયક કે નાયિકા હશે, જેનાથી તમે તમારા પાત્રો સાથે જોડાઈ શકો. અમારી એ સમયની ફિલ્મો ગામડાઓ અને નાના નગરોની ફિલ્મ હતી. એટલે મોટા ભાગના લોકોને તે પોતીકા પાત્રો લાગતા. જ્યારે આજના જમાનામાં આપણે મેટ્રો સિટીના નાયકો અને નાયિકાને લઈને ફિલ્મો બનાવી રહ્યા છીએ. એ શહેરના લોકોને ખૂબ મજા પડે. પણ ત્યાંથી 20 કિલોમીટર દૂર જાવ તો ત્યાંના લોકોની જીવવાની પદ્ધતિ જુદી છે. આ પાત્રો પોતીકા નથી લાગતા. એ કારણોસર મોટો ફરક પડ્યો છે. પણ ધીરે ધીરે જેમ હેલ્લારો આવી, કસુંબો આવ્યો, 21મું ટિફિન આવી એક પછી એક એવી ફિલ્મો પ્લાન થઈ રહી છે. જે સ્મોલ ટાઉનની વાર્તાઓ લઈને આવી રહી છે. આવનારા બે વર્ષની અંદર જો આપણા મેકર્સ નાના ટાઉનની વાર્તાઓ લઈને આવશે તો આપણે પણ વધુ લોકો સુધી પહોંચી શકીશું. અને ફરી આપણે એ સુવર્ણકાળ તરફ વળી શકીશું. એ સુવર્ણકાળ જરૂર પાછો આવશે. એ સંગીતનો તબક્કો પણ પાછો આવશે જ.
ગુજરાતી જાગરણ: એક જાણીતી અભિનેત્રીએ એવું કહ્યું કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનાલિઝમ નથી, આમાં કેટલું તથ્ય છે ?
હિતેન કુમાર: આ દરેકના પોત પોતાના અનુભવોની વાત છે. ત્યારે પણ હતું જ. પરિસ્થિતિ પ્રમાણે પ્રોફેશનાલિઝમ હોય. એ વખતે પણ અમે 48 ડિગ્રી તાપમાનમાં કામ કરતાં હતા. છત્રીની નીચે પોતાની જાતને બચાવીને. તો આ દરેકના પોત પોતાના અનુભવોની વાત છે. જો પ્રોફેશનાલિઝમ ન હોય તો ઈન્સ્ટ્રી બે પાંચ મહિનાથી આગળ વધે જ નહિ. આજે વેનિટી વેનથી લઈને સેટ પર કામ કરવા માટેનું એક કમ્ફર્ટ વાતાવરણ, સગવડો આવી ગઈ છે. હું નથી માનતો કે પ્રોફેશનાલિઝમનો અભાવ હોય. કોઈ એવા એક્ટર નથી કે વગર કામના સમય બરબાદ કરતાં હોય. હા હજી આપણે માર્કેટિંગની રીતે ચોકસાઈથી ફિલ્મો કરવી જોઈએ. બાકી આ વાતમાં કોઈ તથ્ય નથી કે પ્રોફેશનાલિઝમ નથી.
ગુજરાતી જાગરણ: શું ગુજરાતી સિનેમામાં હજી કાંતારા જેવી ફિલ્મો નથી આવી એનું કારણ શું ?
હિતેન કુમાર: કાંતારા જેવી ફિલ્મ અમારા હાલ પ્રોડક્શનમાં છે. દશેરા જે આપણા ત્યાંના જ ડાંગની જ સંસ્કૃતિ અને વાર્તાઓ પર આધારિત છે. પણ રાતોરાત નહિ થાય. બધું જ સફળતા પર નિર્ભર કરે છે. પ્રયોગો અનેક કરવા હોય પણ જ્યારે લાખો કરોડો રુપિયા દાવમાં લાગતાં હોય ત્યારે નિર્માતા માટે પણ એક સેફ્ટી ઉભી થવી જરૂરી હોય છે. જેમ કે વશ જેવી ફિલ્મ ચાલી અને આટલી મોટી નોંધ લેવાઈ. તો નિર્માતાઓની પણ હિંમત વધે છે કે આ ઝોનરમાં પણ ફિલ્મો પણ બની શકે, તેની ક્યારેય કલ્પના પણ કરતાં ન હતા.
ગુજરાતી જાગરણ: ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર શોને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે એના વિશે શું કહેશો ?
હિતેન કુમાર: હવે પ્રીમિયરની ઘટનાઓ નિર્માતાઓ એટલા માટે કરતાં હોય છે કે લોકો સુધી તેમની ફિલ્મો પહોંચે. હવે તેના માટે લાખો રુપિયાના ખર્ચીને પણ જો પ્રીમિયરના આયોજનો કરતાં હોય તો આખો એક વર્ગ પ્રીમિયરમાં પોપકોર્ન ખાઈને રીવ્યું આપે…આવી વાતો પણ કરતાં હોય છે. પહેલા તમે તમારા ગાંઠના પૈસે ફિલ્મ જુઓ પછી ઓપિનિયન આપો. પણ આપણે તો જે વખાણ કરે તેને પણ નીચા પાડવાની જે માનસિકતા છે. તેમાંથી બહાર આવવું પડશે.
આપણે ત્યાં કેવું છે કે જે સારું થયું છે તેના વખાણ કરવામાં આપણે બહુ કંજુસ છીએ. અને જે નથી થયું તેની ટીકા કરવામાં આપણા ટ્રોલર્સને પણ ખૂબ આનંદ મળી રહ્યો છે. જેમ કે છેલ્લા પાંચ વર્ષોમાં શું સારું થયું તેના પર વાત કરવા માટે પણ ઘણું છે. પણ એની ચર્ચા નથી થતી. પણ શું નથી તેની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં જે ટ્રોલ કરે છે તેને પુછો કે કેટલી ફિલ્મો તેમણે જોઈ છે. અને માત્ર બટન ઉપર મફતના ભાવે ટાઈપ કરી કરીને ટ્રોલિંગ કર્યા કરતાં હોય છે. કોઈ પણ ક્ષેત્રની સફળતા માટે માત્ર નિર્માતાની જ જવાબદારી નથી હોતી. પ્રેક્ષકની પણ જવાબદારી છે. પણ તેઓ નેટફ્લિકસ પર જોઈ લઈશું ને, પછી જોઈશું પણ ત્યાં સુધીમાં માહોલ બદલાઈ ગયો હોય છે. પહેલા એક અઠવાડિયા સુધી માત્ર એક જ ફિલ્મ લાગતી. અત્યારે જુઓ કેટલી ફિલ્મો એક દિવસમાં જ રિલીઝ થાય છે. પાછી હિન્દી સિનેમાની હરિફાઈમાં આપણી ફિલ્મોને બોક્સ ઓફિસ પર ટકાવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે. દર શુક્રવારે જુઓ આપણી ગુજરાતીની જ બે ત્રણ ફિલ્મો રિલિઝ થાય તો તેની સામે મોટામાં મોટી હરિફાઈ હિન્દી સિનેમા સાથે છે.

ગુજરાતી જાગરણ: કોઈ નવી ફિલ્મ સાઈન કરતી વખતે તમે શેનું ધ્યાન રાખો છો ?
હિતેન કુમાર: સૌથી પહેલા તો હું પરિવાર સહિત જોઈ શકાય તેનું ધ્યાન રાખું છું. તેનું પાત્ર ક્યાંય મર્યાદા ન વટાવે તેનું ધ્યાન રાખું છું. પણ હવે મને મારા કરતાં મોટી ઉંમરના પાત્રો મારે જોઈએ છે. મારે એક હીરોની મર્યાદામાં રહીને કામ નથી કરવાનું. પણ પાત્રની મર્યાદા એટલી વિસ્તારવી છે કે વાર્તા પર ફરક પડે. દર્શકોના હદય પર એક અમીટ છાપ મુકી શકું. સાથે મેકર્સની પસંદગી જે ફિલ્મને યોગ્ય રીતે રજૂ કરી શકશે કે નહિ તે પણ ધ્યાન રાખું છું. એટલે વાર્તા શું છે, રોલ શું છે, કોણ બનાવી રહ્યું અને બજેટ શું છે આના પર મેઈન ફોક્સ રહે છે.
ગુજરાતી જાગરણ: શું ગુજરાતી સિનેમામાં ગ્રુપિઝમ ચાલી રહ્યું છે
હિતેન કુમાર: એ બધે જ ચાલતું હોય છે. દરેકને એવું હોય તે કમ્ફર્ટ ઝોનના વ્યક્તિઓ સાથે કામ કરે. પરંતુ આ ખોટું નથી. હા તમે નવા એક્ટર છો, તમને જે પણ ફિલ્મમાં તક મળે જેમાં બેસ્ટ પરફોર્મ કરો જો તમારામાં શક્તિ દેખાશે તો કોઈ પણ તમને આવકાર આપશે. પણ એ શક્તિ પુરવાર કરવાની જવાબદારી તમારી છે.
પહેલા આ ક્ષેત્રમાં કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ આમાં આવતો ન હતો. એ સમયે હું એકલો જ એવો હતો કે ગેજ્યુએશન પછી થિયેટર કર્યા પછી માસ કમ્યુનિકેશન કરીને મુંબઈથી ગુજરાત આવ્યો હતો. તો લોકોએ મારી હાંસી ઉડાવી હતી કે આ શું ગુજરાતી સિનેમામાં કરવા જઈ રહ્યો છે. હવે તો ઘણા નવા નવા લેખકો, નિર્માતા, એક્ટર, પ્રોડ્યુસર આ ફિલ્ડમાં આવી રહ્યા છે, તો આ એક સુવર્ણકાળ તરફની દિશા છે.
ગુજરાતી જાગરણ: ટેક્નોલોજીના કારણે શૂટિંગના સમયમાં કોઈ ઘટાડો થયો છે ?
હિતેન કુમાર: મને લાગે છે કે ટેક્નોલોજીના કારણે થોડો વેડફાટ પણ વધ્યો છે. અમુક વાર સેટ પર મને વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ ફાયનાન્સ ખૂબ લાગી રહ્યું છે. પહેલા અમે ચોકસાઈ અને ગણિત અને લિમિટેડ સોર્સ સાથે સારું સર્જન કરવાનો પ્રયાસ કરતાં. એ યુનિટ અમારું વધારે ડિસિપ્લિન રહેતું હતું. જેમકે 22 શોટ લેવાના હોય તો આ 22 શોટ પર જ અમે બેસ્ટ પરફોર્મ કરતાં. આજે એની જગ્યાએ અમે 60 શોટ લઈએ છીએ. એટલે જે શૂટ 30 દિવસમાં પતવું જોઈએ એમાં 40 કે 45 દિવસ ચાલે છે. પણ જો સ્માર્ટ મેકર્સ હશે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા વેડફાટ સાથે સુંદર ફિલ્મ બનાવી શકશે.
ગુજરાતી જાગરણ: અત્યારના ક્યાં એક્ટરમાં તમને પોટેન્શિયલ લાગે છે ?
હિતેન કુમાર: જો પોટેન્શિયલ ન હોય તો એક બે પ્રોજેક્ટ પછી તમે વિસરાઈ જતાં હોવ છો. જો તમે સતત કામ કરી રહ્યા છો તો તમારામાં એવું તો કશુંક છે કે જેના કારણે તમે લાંબુ ચાલી રહ્યા છે. પોટેન્શિયલ વિના આ ઈન્ડસ્ટ્રી તમને એક બે વર્ષથી આગળ વધવા જ ન દે. જો તેઓ પોતાને એક્ટર સાબિત કરવા માટે રિસ્ક લેશે તો વધારે સારું કરી શકશે. જેમાં અત્યારે મલ્હાર ઠાકર પાસે મોટું પોટેન્શિયલ છે બસ નવા નવા રોલ અને હિંમત સાથે જો મેકર્સ તેના પાસે જાય અને તેમના ઝોનરનું જે કમ્ફર્ટ છે તે તોડાવીને કામ કરાવે તો તેનામાં ભયંકર ક્ષમતા છે. યશ સોની, ગૌરવ પાસવાલા પણ એક સારા એક્ટર છે. બસ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને નવા રોલ કરવા જોઈએ.
ગુજરાતી જાગરણ: એક્ટર બનાવવા માટે યોગ્ય બોડી બનાવવી કે ફિટ રહેવું કેટલું જરુરી?
હિતેન કુમાર: ત્યારે સિક્સ પેકનો ફેઝ ન હતો. અમારી પાસે જે ઉપલબ્ધ હતું અને અમારી સમજણ પ્રમાણે અમે ફિટ રહેવાના પ્રયત્નો કરતાં ન હતા. અમુકવાર જ્યાં શૂટ કરીએ ત્યાં ટેલિફોન જ ન હતા, અખબાર પણ બપોરે આવે, એટલે બીજી ફેસેલિટી તો ન જ મળે. પણ અત્યારે મોટા ભાગના લોકોને હું જીમિંગ કરતાં જોઉ છું ત્યારે લાગે છે કે આ કંઈક જુદુ જ ગણિત છે. જેમાં અભિનય કરતાં દેહને રુપાળો બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. મને નથી લાગતું કે તે આટલું બધુ મહત્વનું છે. સિવાય કે રોલની ડિમાન્ડ હોય. હા શરીર કસાયેલું બનાવવાથી તમે એક્ટર બની શકો હું આમાં નથી માનતો.
ગુજરાતી જાગરણ: તમારું ભાવતું ભોજન કે જેના માટે ડાયટ પણ બાજુ પર રહી જાય
હિતેન કુમાર: વટાણાવાળી પાણીપૂરી મને ખૂબ ભાવે. ક્યાંય પણ રસ્તામાં દેખાય તો ગાડી હું બાજુ પર મુકીને તેનો ચટાકો કરી લેતો હોંઉ છું. આ સિવાય મારા ઘરનું સુરતી જમણ.
