Narmada Natural Farming: રાજ્યપાલ આચર્ય દેવવ્રત રાજ્યભરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માર્ગદર્શન અને પ્રરેણા પુરી પાડી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો પણ આ દિશામાં આગળ વધી રહ્યાં છે. દેડીયાપાડા તાલુકાના બેસણા ગામના ખેડૂત અમરસિંગભાઈ મીરાંભાઈ વસાવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનું જીવન બદલ્યું છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી રાસાયણિક પાકપદ્ધતિ છોડીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આજે તેઓ બમણી આવક સાથે વધુ આરોગ્યદાયક, ટકાઉ અને જમીનમૈત્રી ખેતી કરી રહ્યા છે.
આ પણ વાંચો
અમરસિંગ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ, મનરેગા તેમજ સ્વ-વિકાસ સંસ્થા અને શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી મને પ્રાકૃતિક કૃષિ માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી છે. હાલમાં મગફળી, મગ, હળદર અને તલ જેવા પાક સિઝન પ્રમાણે ખેતરમાં ઉગાડી રહ્યો છું, ઉપરાંત આ જ ખેતરમાં કેસર કેરી, દેશી કેરી, દશેરી અને રાજાપુરી જેવી આંબાની જાતના 50 કરતા વધુ ઝાડ છે અને તેના દ્વારા સિઝનલ આવક પણ પ્રાપ્ત થાય છે.
સંસ્થાકીય સહાય અને પ્રેરણા
અમરસિંગ વસાવાએ જણાવ્યું કે, સ્વ-વિકાસ સંસ્થા દ્વારા રૂપિયા 50,000 ના લોકફાળા સામે રૂપિયા 3.5 લાખની સહાય આપવામાં આવી હતી. જેનાથી ગ્રીનહાઉસ બનાવ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા દ્વારા 50 કિલો હળદરના બીજ મળ્યા હતા. જેનું એક એકરમાં વાવેવતર કર્યું હતું. જેમાંથી અંદાજે 20 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. ઘેર જ હળદર દળીને પેકિંગ કરી નેચરલ હળદર બનાવીએ છીએ, જેનું વેચાણ સીધા ગ્રાહકો સુધી ઘરે બેઠા ઓર્ડર દ્વારા રૂપિયા 300 પ્રતિ કિલોના દરે કરીએ છીએ. હળદરમાંથી વાર્ષિક અંદાજે રૂપિયા બે લાખની આવક થાય છે, જ્યારે આંબાના ઝાડ પરથી કેરીની સિઝનલ આવક રૂપિયા 50,000 જેટલી થાય છે.
પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ અને આધુનિકતાનો સમન્વય:
અમરસિંગભાઈ વસાવાએ આત્મા પ્રોજેક્ટ દ્વારા મધ્યપ્રદેશના જબલપુર ખાતે અળસિયા બનાવવાની 15 દિવસની તાલીમ લીધી હતી. ત્યારબાદ શ્રોફ ફાઉન્ડેશન દ્વારા બેડ તથા અળસિયાના બીજ આપવામાં આવ્યા હતા. તેઓ હવે ખેતીમાં ઘનામૃત, જીવામૃત અને નિમાસ્ત્ર દ્રાવણોનો ઉપયોગ કરી સ્વસ્થ પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે.
વારસાગત ખેતી તરફ પુનઃપ્રવેશ
વસાવાએ એમ પણ ઉમેર્યું કે, હમણાંની ખેતીમાં રસાયણોનો ખૂબ જ ઉપયોગ થાય છે, જે ઉત્પાદન વધારે આપે છે પણ તાકાત અને સ્વાદ ઓછો રહે છે. વર્ષો પહેલાં અમારા વડીલો જે ખેતી કરતા હતા, તે બીમારીમુક્ત અને પોષક હતી. આજે વધુ ઉત્પાદન છે પણ આરોગ્ય માટે ઘાતક છે. તેથી હવે સમય છે કે આપણે જૂની પદ્ધતિઓ તરફ વળીને પ્રાકૃતિક ખેતી દ્વારા કુટુંબ માટે પૌષ્ટિક અનાજ અને સમાજ માટે સ્વસ્થ જીવનશૈલીની ભેટ આપી શકીએ. અમરસિંગભાઈ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળી તેમની આવક બમણી કરી પરિવાર સ્થે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડે છે.
