Sauni Yojana Phase 3: સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પાણીની સુવિધા મજબૂત બનાવવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એટલે કે સૌની યોજનાના ફેઝ-3 ના લિંક-1 અંતર્ગત સાની જળસંપતિ યોજના અને ગઢડી પંપહાઉસને પાઈપલાઈન મારફતે જોડવાના કામ માટે ₹103.46 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
સાની જળસંપત્તિ યોજના અને ગઢડી પંપહાઉસ જોડાશે
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે 28 નવેમ્બર, 2026 ના રોજ આ અંગે સરકારી હુકમ કર્યો છે. રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેરને આ મંજૂરી અંગેનો સરકારી હુકમ મોકલવામાં આવ્યો છે.
સરકારી દસ્તાવેજ મુજબ, સૌની યોજનાના ફેઝ-3 ના લિંક-1 અંતર્ગત સાની જળસંપત્તિ યોજના અને ગઢડી પંપહાઉસને પાઇપલાઇનથી જોડવાના કામ માટે અંદાજિત ₹103.46 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
દરખાસ્તને સક્ષમ કક્ષાએથી ઈ-ફાઈલ પર મળેલી મંજૂરીના આધારે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી પાણીના પરિવહન માટે જરૂરી માળખું ઊભું કરવાની દિશામાં આગળ વધી શકાશે.
પાણીના સંગ્રહ અને વિતરણનું નેટવર્ક મજબૂત બનશે
નવા પ્રોજેક્ટ અંતર્ગત સાની જળસંપત્તિ યોજના અને ગઢડી પંપહાઉસને પાઈપલાઈન મારફતે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાણીના પરિવહનને અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના પાણીના સંગ્રહ અને વિતરણના નેટવર્કને વધુ મજબૂત કરવાની દૃષ્ટિએ આ કામગીરી મહત્ત્વપૂર્ણ બની શકે છે. ₹103.46 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં હવે આ પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની 1,126 કિમીની પાઈપલાઈન
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન (Sauni Yojana) યોજના હેઠળ નર્મદાના પૂરના વધારાના પાણી 1,126 કિમી લાંબી ચાર પાઈપલાઈન લિંક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયોમાં પહોંચાડી આશરે 1,022,589 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનો લાભ આપવામાં આવે છે.
અગાઉ વરસાદની ઘટ ધરાવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને સૌની યોજના હેઠળ મચ્છુ-2 જળાશયમાંથી પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો.
સૌની યોજનાની મુખ્ય 4 લિંક
આ યોજના મુખ્યત્વે 4 લિંક દ્વારા સંચાલિત થાય છે, જેમાં લિંક-1 થી લિંક-4 સુધીના વિવિધ જિલ્લાના જળાશયો અને સિંચાઈ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યા છે:
- લિંક-1 અને લિંક-2: મચ્છુ-2 થી સાની અને લીંબડી ભોગાવો-2 થી રાયડી સુધીના જળાશયો આવરી લેવાય છે.
- લિંક-3 અને લિંક-4: ધોળીધજાથી વેણુ-1 તથા લીંબડી ભોગાવો-2 થી હીરણ-2 સુધીના જળાશયો જોડવામાં આવ્યા છે, જે લાખો એકર વિસ્તારને સિંચાઈ પૂરી પાડે છે.
સૌની યોજનામાં આ પ્રોજેક્ટનું શું મહત્ત્વ છે?
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એટલે કે સૌની યોજનાનો મુખ્ય ઉદ્દેશ નર્મદા નદીમાં ચોમાસા દરમિયાન ઉપલબ્ધ વધારાનું પાણી પાઇપલાઇન નેટવર્ક મારફતે સૌરાષ્ટ્રના વિવિધ જળાશયો સુધી પહોંચાડવાનો છે.
સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચે તો તેનો ઉપયોગ પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત ખેતી માટે સિંચાઈમાં પણ થઈ શકે છે. આ રીતે પાણીની અછત ધરાવતા વિસ્તારોને રાહત પહોંચાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
