સૌરાષ્ટ્રમાં પીવાના અને સિંચાઈના પાણી માટે મોટો પ્લાન: મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજકોટમાં યોજી મહત્વની બેઠક

મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજકોટમાં પાણી પુરવઠા અને સિંચાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી. સૌરાષ્ટ્રમાં ₹1,074 કરોડના પ્રોજેક્ટ્સ અને સૌની યોજના અંતર્ગત પાણીની ઉપલબ્ધતા અંગે મહત્વના નિર્ણયો લેવાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 03:15 PM (IST)Updated: Thu, 05 Nov 2026 03:15 PM (IST)
saurashtra-water-supply-review-meeting-minister-ishwarsinh-patel-rajkot-sauni-yojana

Rajkot Water Review Meeting: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં પીવાના તથા સિંચાઈના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓએ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા, સિંચાઈ વર્તુળ અને સૌની યોજનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

બેઠકમાં રાજ્યમંત્રીએ આપી સૂચનાઓ

આ બેઠકમાં તેઓએ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં નાગરિકોને પીવા માટે તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે પ્રકારે આયોજનો કરવા. કૂવા, બોરવેલ સહિતના નવા સ્રોત સક્રિય કરી તેનો ઉપયોગ કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ સંદર્ભે પાણી પુરવઠા વિભાગની બેઠકમાં ચીફ એન્જિનિયર એસ. વાય. મંસુરીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન-3 હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓના 39 તાલુકાઓ અને 2219 ગામો આવરી લેવાયા છે,

79 લાખ લોકો માટે પાણી વિતરણ

અંદાજે 79 લાખની વસ્તી માટે 71 ફિલ્ટર પ્લાન્ટ અને 10,854 કિલોમીટર લાંબી પાઇપલાઇનથી પાણીના વિતરણ વ્યવસ્થા કાર્યરત છે. હાલ 1800થી વધુ ગામોમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તાંત્રિક કે અન્ય કારણોસર બાકી રહેલા ગામો માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને નિયમિત અને પૂરતું શુદ્ધ પાણી મળી રહે, તે માટે અંદાજે રૂ. 575 કરોડના ખર્ચે 12 પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે. જ્યારે રૂ. 499 કરોડના ખર્ચે 11 નવા પ્રોજેક્ટ્સનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.

જામનગર અને દ્વારકામાં કામગીરી અંગે આદેશ

આ બેઠકમાં મંત્રીએ નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે, તે માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સંભવિત પાણીની અછતવાળા વિસ્તારોમાં વૈકલ્પિક કુવાઓનું રિનોવેશન, પમ્પિંગ મશીનરીની ક્ષમતા વધારવા અને સૌની યોજનાની પાઇપલાઇન સાથે જોડાણ જેવી કામગીરી તાત્કાલિક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત, તેમણે તાંત્રિક કારણોસર પાણી ન મેળવતા ગામોની સ્થિતિ અને આ સમસ્યાના નિવારણ માટેના આયોજન અને જૂથ યોજનાઓની સમીક્ષા કરી હતી.

જળાશયોમાં પાણીના સંગ્રહ અંગે ચર્ચા કરાઈ

સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયોમાં પાણીની હાલની સ્થિતિ, પીવાના પાણીની માંગ અને ઉપલબ્ધતા તેમજ પ્રગતિ તથા આયોજન હેઠળના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયોમાં જુલાઈ, 2027 સુધીની પાણીની ઉપલબ્ધતા અને સંગ્રહ ક્ષમતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીએ ભાદર, શેત્રુંજી, મચ્છુ સહિતના મોટા જળાશયો અને સૌની યોજનાના વિવિધ ફેઝ તથા લિંક્સ હેઠળના કાર્યોની પ્રગતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદાના પાણીથી જોડવાના પ્રોજેક્ટ અંગે ચર્ચા

સૌરાષ્ટ્ર ઝોનના ચીફ એન્જિનિયર એસ. જી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત ન સર્જાય, તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ બેઠકમાં મંત્રી ઇશ્વરસિંહે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ચાલી રહેલા નદીઓના ઊંડાણ અને ડિસિલ્ટિંગ, પૂર સંરક્ષણ દીવાલોનું નિર્માણ, ચેકડેમ અને બેરેજ બનાવવાની કામગીરી તેમજ સૌની યોજના અંતર્ગત હયાત પાઇપલાઇનોની નજીકના જળસ્ત્રોતોને નર્મદાના પાણીથી જોડવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી.

તેમણે તમામ વિકાસકામો નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ હેઠળના રૂ. ૦૫ કરોડથી વધુના આયોજન હેઠળનાં કામોની પણ સમીક્ષા કરી હતી. આ તકે પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર અંકિત ગોહેલ, અધિક્ષક ઈજનેર ડી. પી. ગજેરા, સુપ્રિડેન્ટ એન્જીનિયર ચાંદની ગણાત્રા અને પ્રેક્ષા ગોસ્વામી, અગ્રણી અલ્પેશ ઢોલરીયા સહિત સંબંધિત અધિકારીઓ અને ઉપસ્થિત રહ્યા હતા.