પોરબંદરમાં ઓછા વરસાદ સામે સૌની યોજના બનશે સહારો, ડેમ અને 7 કિમી ત્રિજ્યાના તળાવો પાણીથી ભરાશે

પોરબંદર જિલ્લામાં ઓછા વરસાદને પગલે ગાંધીનગરમાં મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. સૌની યોજના દ્વારા ડેમો અને 7 કિમી ત્રિજ્યાના તળાવો ભરવા માઈક્રો પ્લાનિંગના આદેશ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 19 Aug 2026 09:36 PM (IST)Updated: Wed, 19 Aug 2026 09:36 PM (IST)
sauni-yojana-to-come-to-the-rescue-amidst-scanty-rainfall-in-porbandar-dams-and-ponds-within-a-7km-radius-will-be-filled-with-water

Porbandar Water Crisis: પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની મુશ્કેલી ન પડે તે માટે સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. આ સંદર્ભે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જળસંપત્તિ, સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થિતિનો તાગ મેળવી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.

ઘેડ વિસ્તારના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા તાકીદ

બેઠક દરમિયાન પોરબંદરના ઘેડ વિસ્તાર માટે ફેઝ-1 અંતર્ગત ચાલી રહેલા કામો તેમજ ફેઝ-2માં સમાવિષ્ટ કામગીરીનું માઇક્રોલેવલ પ્લાનિંગ કરવા આદેશ અપાયા છે. કોઈપણ જાતના બિનજરૂરી વિલંબ વગર તમામ કામો સમયસર પૂરા કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

બરડા વન વિસ્તાર અને સિંચાઈ યોજનાઓનું સંકલન

વન વિસ્તારમાં આવેલી દિપડાઝર સિંચાઈ યોજના માટે જમીન તબદીલીની પ્રક્રિયા ઝડપથી આટોપવા જણાવાયું છે. આ ઉપરાંત, સરમણી સિંચાઈ યોજના માટે વન વિભાગ સાથે સીધું સંકલન સાધીને કામગીરી સત્વરે શરૂ કરવા નિર્દેશ અપાયા છે.

ઓવરફ્લો થતું પાણી અડવાણા યોજનામાં સંગ્રહ કરવા પ્લાન

અડવાણા ગામ પાસે આવેલી સોરઠી સિંચાઈ યોજના ઓવરફ્લો થતાં નદીમાં વહી જતા પાણીને વેડફાતું અટકાવવા માટે પાઈપલાઈન મારફતે નજીકની અડવાણા સિંચાઈ યોજનામાં સંગ્રહ કરવાની શક્યતાઓ ચકાસવા અને સમયસર આયોજન કરવા જણાવાયું છે. સાથે જ, કટોકટીના સમયે સૌની નેટવર્કથી ઇનટેક સ્ટ્રક્ચર સુધી જરૂરી એપ્રોચ ચેનલના કામો ઇમરજન્સી ધોરણે પૂર્ણ કરવા આદેશો કરાયા છે.

સુકાળા તળાવની ઊંડાણ-પહોળાઈ વધારાશે

પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલા સુકાળા તળાવની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે તેની ઊંડાણ અને પહોળાઈ વધારવાની કામગીરી ત્વરિત હાથ ધરવા સૂચના અપાઈ છે. આ સાથે એરપોર્ટ વિસ્તૃતિકરણ હેઠળ આવતા વિસ્તારના ડ્રેઈન-કાંસના કામો પણ ઝડપથી પૂરા કરવા પર ભાર મુકાયો છે.

સૌની યોજનાથી 7 કિમી ત્રિજ્યાના તળાવો અને ડેમ ભરાશે

વર્ષ 2026ના નબળા ચોમાસાને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લાના તમામ ડેમ, સિંચાઈ યોજનાઓ અને તળાવોને સૌની યોજના મારફત આવરી લેવાશે. હયાત સૌની નેટવર્કને અપગ્રેડ કરી તેની 7.0 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ તળાવો અને ડેમોને પાણીથી ભરી દેવા માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું છે.

મંત્રીશ્રીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ વિભાગો પરસ્પર સંકલન રાખીને કામ કરે, જેથી પોરબંદર જિલ્લાના ગ્રામીણ કે શહેરી વિસ્તારના એક પણ નાગરિકને પીવા માટે કે ખેડૂતને સિંચાઇ માટે પાણીની તકલીફ ન પડે.