US visa Renewal Rule Change: અમેરિકામાં કામ કરતા લાખો વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારતીય આઈટી (IT) અને અન્ય ક્ષેત્રના કર્મચારીઓ માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા વિઝા એક્સટેન્શન એટલે કે વિઝા લંબાવવાના નિયમોમાં એક નાનો પણ અત્યંત અસરકારક ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ હેઠળ ઈમિગ્રેશન નિયમોમાંથી માત્ર એક જ જોગવાઈ અથવા કહીએ તો 'એક લાઈન' હટાવવાની તૈયારી ચાલી રહી છે. જોકે, આ નાનકડા ફેરફારની સીધી અસર H-1B, L-1, O-1, TN અને E જેવા મહત્ત્વના વર્ક વિઝા ધારકો પર પડી શકે છે. જો આ નિયમ અમલમાં આવશે તો દર વર્ષે વિઝા રિન્યુ કરાવતા અંદાજે 2,08,429 જેટલા અરજદારોને મળતી મોટી રાહત છીનવાઈ જશે.
અત્યારનો નિયમ શું છે અને સરકાર શું બદલવા માંગે છે?
હાલના ઈમિગ્રેશન નિયમ (Section 8 CFR 214.1(c)(5)) મુજબ, જો કોઈ કર્મચારી એ જ કંપનીમાં અને એ જ હોદ્દા પર રહીને પોતાનો વિઝા લંબાવવા માટે 'ફોર્મ I-129' ભરે છે, તો ઈમિગ્રેશન અધિકારીઓ અગાઉ અપાયેલી વિઝા મંજૂરીને આધાર માને છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી અરજીમાં કોઈ મોટી ભૂલ ન હોય કે કર્મચારીની કામગીરીમાં કોઈ મોટો ફેરફાર ન થયો હોય, ત્યાં સુધી વિઝા સરળતાથી રિન્યુ થઈ જતા હતા.
પરંતુ, 14 ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરાયેલા નવા પ્રસ્તાવ મુજબ અમેરિકી સરકાર આ જોગવાઈને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે. આનો અર્થ એ નથી કે હાલના વિઝા આપોઆપ રદ થઈ જશે, પરંતુ હવે વિઝા રિન્યુ કરતી વખતે અધિકારીઓ માટે જૂની મંજૂરીને માન્ય રાખવી ફરજિયાત રહેશે નહીં.
ઉદાહરણ તરીકે, જો તમે H-1B વિઝા પર એક જ કંપનીમાં અને એક જ પદ પર વર્ષોથી કામ કરી રહ્યા હોવ, તેમ છતાં રિન્યુઅલ સમયે અધિકારી નવેસરથી સવાલ ઉઠાવી શકે છે કે તમારું કામ 'સ્પેશિયાલિટી ઓક્યુપેશન'ની શ્રેણીમાં આવે છે કે કેમ. ભલે અગાઉ આ જ પદ માટે તમને વિઝા મંજૂર કરવામાં આવ્યા હોય.
અમેરિકી સરકાર આ ફેરફાર કેમ કરી રહી છે?
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા આ નિયમ હટાવવા પાછળ ત્રણ મુખ્ય કારણો રજૂ કરવામાં આવ્યા છે-
કંપનીની જવાબદારી: કાયદા મુજબ એ સાબિત કરવાની જવાબદારી નોકરી આપનાર કંપની (એમ્પ્લોયર)ની છે કે કર્મચારી વિઝા માટે યોગ્ય છે. અધિકારીઓની એ જવાબદારી નથી કે તેઓ જૂની મંજૂરીને ખોટી સાબિત કરે.
તપાસમાં વધુ કડકાઈ: જૂના નિયમને કારણે અધિકારીઓને કોઈ શંકા હોય તો પણ તેઓ 'રિક્વેસ્ટ ફોર એવિડન્સ' (RFE - વધારાના પુરાવા માંગવા) નોટિસ મોકલતા અચકાતા હતા. આ નિયમ હટવાથી અધિકારીઓ ખુલ્લેઆમ તપાસ કરી શકશે.
જૂની ભૂલો સુધારવી: સરકારનું માનવું છે કે જો પહેલીવાર કોઈ વ્યક્તિને ભૂલથી કે શંકાસ્પદ રીતે વિઝા મળી ગયા હોય, તો જૂના નિયમને કારણે તેને દર વખતે સરળતાથી એક્સટેન્શન મળતું રહે છે. આ પ્રક્રિયા અટકાવવી જરૂરી છે.
ભારતીય અને વિદેશી કર્મચારીઓ પર શું અસર પડશે?
જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી જશે, તો સામાન્ય વિઝા રિન્યુઅલ પણ કોઈ નવી વિઝા અરજી જેટલું જ કઠિન અને લાંબું બની જશે. તેના મુખ્ય ચાર પરિણામો જોવા મળી શકે છે:
વધારાના દસ્તાવેજો અને RFEનો મારો: સરકારના પોતાના અંદાજ મુજબ, આ ફેરફારથી દર વર્ષે અંદાજે 6,044 જેટલા વધારાના RFE જારી થઈ શકે છે. કંપનીઓ અને કર્મચારીઓએ અગાઉ મંજૂર થઈ ચૂકેલા કામ માટે પણ નવેસરથી પુરાવા એકઠા કરવાની કસરત કરવી પડશે.
પ્રોસેસિંગમાં લાંબો વિલંબ: દસ્તાવેજોની ફરીથી ઝીણવટભરી તપાસ થવાથી અને RFE ના જવાબો દાખલ કરવામાં વિઝા મંજૂરીનો સમયગાળો ઘણો વધી જશે.
240 દિવસના નિયમનું જોખમ: સમયસર એક્સટેન્શન ફાઈલ કરનારા H-1B કર્મચારીઓ વિઝા પૂરા થયા બાદ પણ મહત્તમ 240 દિવસ સુધી કામ ચાલુ રાખી શકે છે. પરંતુ પ્રોસેસિંગમાં વધુ વિલંબ થશે તો ઘણા કર્મચારીઓ આ સમયમર્યાદાની નજીક પહોંચી જશે, જેના કારણે તેમની નોકરી પર જોખમ ઊભું થઈ શકે છે.
ભારત પ્રવાસમાં મુશ્કેલી: મોટાભાગના કર્મચારીઓ વિઝા એક્સટેન્શનની મંજૂરી મળ્યા બાદ જ વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત કે પોતાના વતન જતા હોય છે. રિન્યુઅલમાં વિલંબ થવાથી પરિવારમાં કોઈ ઈમરજન્સી હોય કે રજાઓમાં ઘરે જવું હોય, તો વિદેશ પ્રવાસનું આયોજન કરવું અત્યંત મુશ્કેલ બની જશે.
