Russia Drone Attack: યૂક્રેનમાં ભારતીય ફાર્મા કંપનીની ફેક્ટરી પર રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ અન્ય અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભારતના કુસુમ ગ્રુપની યૂક્રેનના સુમી વિસ્તારમાં દવા બનાવતી ફેક્ટરી આવેલી છે. રશિયાના ડ્રોન હુમલા બાદ ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ છે. આ સંદર્ભે સ્થળ પરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આકાશમાં કાળા ધુમાડા ઉડતા જોઈ શકાય છે.
24 કલાકમાં રશિયાનો 135 ડ્રોનથી હુમલો, 6ના મોત
વીતેલા 24 કલાકમાં રશિયાએ 135 જેટલા ડ્રોનથી યૂક્રેન પર હુમલો કર્યો હતો. જો કે યૂક્રેન દ્વારા 123 ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન કીવમાં 17 વખત એર સ્ટ્રાઈકનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ હુમલાઓમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 28 ઘાયલ થયા છે.
જ્યારે યૂક્રેનના જરીચની જિલ્લામાં આવેલ સુમીમાં 5 ગાઈડેડ બોમ્બ પડ્યા હતા, જેના પરિણામે એક બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં પણ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી બેની હાલત ગંભીર છે.
જણાવી દઈએ કે, કુસુમ ગ્રુપની શરૂઆત 1994માં યૂક્રેનને ભારતીય દવાઓની નિકાસ કરવા માટેના સપ્લાયર તરીકે થઈ હતી. હાલ તેનું મેનેજમેન્ટ રાજીવ ગુપ્તા સંભાળી રહ્યા છે. 2002માં કંપનીએ જાતે જ દવાનું ઉત્પાદન શરૂ કરી દીધુ હતુ. જે બાદ 2007માં ભારત અને 2009માં યૂક્રેનના સૂમીમાં પ્લાન્ટ સ્થાપ્યો હતો. હાલ આ કંપની 9 દેશોમાં પોતાની દવાઓનું વેચાણ કરે છે.
