Vadodara Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રસ્તો ભૂલી જવાના કારણે રોંગ સાઈડમાં દોડેલી એક કારે સામેથી આવી રહેલી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે સુરતના જાણીતા બિલ્ડર અને તેમનો પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અમરેલીના દંપતીની કાર ભૂલથી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકનું દંપતી ગોધરા તરફથી પોતાની કાર લઈને આવી રહ્યું હતું. આ દરમિયાન એક્સપ્રેસવે પર રસ્તો ભૂલી જતાં તેમની કાર ભૂલથી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સ્પીડ લિમિટ માટે જાણીતા એક્સપ્રેસવે પર રોંગ સાઈડમાં આવી રહેલી આ કારે દિલ્હી તરફ જઈ રહેલી સુરતના પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતનો ભોગ બનેલી બીજી કારમાં સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા પોતાના પરિવાર સાથે દિલ્હી તરફ જઈ રહ્યા હતા. બંને કાર વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે, ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પરિવાર સાથે દિલ્હી જઈ રહેલા સુરતના બિલ્ડરની કારનો કચ્ચરઘાણ
આ ગમખ્વાર અકસ્માતમાં રોંગ સાઈડમાં આવી રહેલી કારમાં સવાર સાવરકુંડલાના દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બીજી તરફ, કારમાં સવાર સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા તથા તેમના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને એક્સપ્રેસવેની પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક મદદ માટે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત મુકેશભાઈ અને તેમના બાળકોને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસવે પર રોંગ સાઈડ ડ્રાઈવિંગ કેટલું પ્રાણઘાતક સાબિત થઈ શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે.
