Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. રશિયાએ ફરી એકવાર યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક વર્ષનો બાળક પણ શામેલ છે. કિવમાં કેબિનેટ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મિસાઇલો છોડવામાં આવી
રશિયન ડ્રોન અને મિસાઇલોએ કિવ પર મોટા પાયે હુમલો કર્યો છે. આ હુમલા પછી, કિવમાં કેબિનેટ બિલ્ડિંગની છત પરથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો છે. જોકે, આ ધુમાડો હુમલાને કારણે જોવા મળ્યો હતો કે કોઈ અન્ય કારણોસર નીકળી રહ્યો હતો તેની પુષ્ટિ થઈ શકી નથી.
રશિયન હુમલામાં બે લોકોના મોત થયા
સમાચાર એજન્સી એપી અનુસાર, કિવ શહેર વહીવટીતંત્રના પ્રમુખ તૈમુર ટાકાચેન્કોએ જણાવ્યું કે, મૃતકોમાં એક વર્ષનો બાળક પણ હતો. બાળકનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું હતું કે, રશિયા દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ સ્વિયાટોશિન્સ્કી જિલ્લામાં એક રહેણાંક ઇમારત અને કિવના ડાર્નિત્સકી જિલ્લામાં બીજી એક ઇમારત પર પડ્યો હતો. આ હુમલામાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.