Afghanistan Earthquake Latest Update: અફઘાનિસ્તાનના કુનાર અને નંગરહર પ્રાંતોમાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 6.0 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. તાલિબાન સમાચાર અનુસર આ ભૂકંપથી લગભગ 1100 લોકોના મોત થયા છે, જ્યારે 2500 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઓછામાં ઓછા 800 લોકો માર્યા ગયા હતા. હજારો ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને ઘણા ગામો તબાહ થઈ ગયા છે.

પહાડો પરથી પથ્થરો તૂટીને પડ્યા, લોકોની ચીસો…
બીબીસીના અહેવાલ અનુસાર ભૂકંપ એટલો જોરદાર હતો કે પહાડો પરથી પથ્થરો તૂટીને પડ્યા જેનાથી ભૂસ્ખલન થયું અને અવરજવર માટેના રસ્તાઓ જ બંધ થઈ ગયા. માટી અને પથ્થરોના બનેલા ઘર ધરાશાયી થઈ ગયા. કુનારના ડઝનેક ગામોના 1 હજારથી વધુ ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા. આ ગરીબ અને પહાડી વિસ્તારમાં મદદ પહોંચાડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તાર પહેલેથી જ ગરીબ છે, માટીના ઘરો અને ખરાબ રસ્તાઓ છે. તાલિબાન શાસન અને આર્થિક કટોકટીને કારણે સહાય પહોંચાડવી મુશ્કેલ બની રહી છે. વીજળી ગુલ થઈ ગઈ છે, બજારો બંધ છે. હજારો બેઘર છે, દરેકને તંબુઓની જરૂર છે. મહિલાઓ અને બાળકો સૌથી વધુ પ્રભાવિત છે. રસ્તા પર ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. IRC એ કહ્યું કે આ 2023 ના ભૂકંપ કરતાં પણ મોટું સંકટ લાવી શકે છે.

ભારતે મોકલી મદદ
તાલિબાન સરકારે તાત્કાલિક હેલિકોપ્ટર મોકલ્યા અને 420 ઘાયલોને જલાલાબાદ તથા અસાદાબાદ હોસ્પિટલોમાં પહોંચાડ્યા. આરોગ્ય મંત્રાલયે 30 ડોકટરો અને 800 કિલો દવાઓ મોકલી છે. રેડ ક્રોસ અને યુએનની ટીમો પણ બચાવ કાર્યમાં જોડાઈ છે. ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ભોજન મોકલ્યું છે, જ્યારે ચીન, ઈરાન, યુરોપિયન યુનિયન અને જાપાને પણ સહાયનું વચન આપ્યું છે. જોકે, પહાડી રસ્તાઓ અને ખરાબ માળખાકીય સુવિધાઓને કારણે સહાયતા પહોંચાડવી પડકારજનક બની રહી છે.

કેમ આવ્યો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્ર નંગરહર પ્રાંતના કુઝ કુનાર જિલ્લામાં હતું, જે જલાલાબાદથી આશરે 27 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વમાં છે. હિંદુ કુશ પર્વતમાળામાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવને કારણે આ વિસ્તારમાં ભૂકંપ સામાન્ય છે. આ ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હતી, જેના કારણે વધારે તબાહી મચી હતી. રાત્રિના સમયે ભૂકંપ આવવાથી તે વધુ વિનાશકારી સાબિત થયો, કારણ કે મોટાભાગના લોકો ઘરોમાં હતા. ત્યારબાદ 4.5 અને 5.2 તીવ્રતાના 17 થી વધુ આફ્ટરશોક પણ આવ્યા.