Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 800થી વધુ લોકોના મોત, 2500થી વધુ ઈજાગ્રસ્ત

દેશના દક્ષિણ-પૂર્વીય ભાગ અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં લગભગ 800 લોકોના મોતની આશંકા છે અને 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 01 Sep 2025 12:44 PM (IST)Updated: Mon 01 Sep 2025 04:42 PM (IST)
afghanistan-earthquake-6-magnitude-quake-kills-injures-many-in-east-595349

Afghanistan Earthquake Latest News: અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ-પૂર્વીય ભાગમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા તીવ્ર હતા કે ઘણા મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ઘટનામાં લગભગ 800 લોકોના મોતની આશંકા છે અને 2500થી વધુ લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ધરતી ધ્રુજી

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી 27 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં જમીનથી 8 કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું હતું. આ ભૂકંપ ગત રાત્રે 12:47 વાગ્યે આવ્યો હતો. 622 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 1,500થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાનના પ્રવક્તાએ ભૂકંપની પુષ્ટિ કરી

અફઘાનિસ્તાનના નાંગરહાર જન સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ ભૂકંપની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત જમન અનુસાર મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે, જોકે તે વિસ્તારમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે અને તેમની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

ભારતમાં પણ અનુભવાઈ ભૂકંપની અસર

દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પણ આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં અડધી રાત્રે અચાનક ધરતી ધ્રુજવા લાગતા ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ હતો, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.