US India Relations: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ મોદી વચ્ચેની ઊંડી દોસ્તી હવે સમાપ્ત થઈ ગઈ છે. બોલ્ટને ચેતવણી આપી છે કે ટ્રમ્પ સાથેના સારા સંબંધો વિશ્વના નેતાઓને તેમની નીતિઓના ખરાબ પ્રભાવથી બચાવી શકતા નથી. આ નિવેદન ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ બાદ આવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી સમાપ્ત થઈ
ટ્રમ્પની ટેરિફ નીતિ અને તેમના વહીવટીતંત્ર દ્વારા ભારત સામેની સતત ટીકાએ આ સંબંધોને વધુ નબળા બનાવ્યા છે. બોલ્ટને બ્રિટિશ મીડિયા પોર્ટલ LBC ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સંબંધોને માત્ર નેતાઓ સાથેની તેમની અંગત મિત્રતાના નજરે જુએ છે.
ઉદાહરણ તરીકે જો તેમની વ્લાદિમીર પુતિન સાથે સારી મિત્રતા હોય તો તેઓ માની લે છે કે અમેરિકા અને રશિયાના સંબંધો પણ સારા છે. પરંતુ તેનાથી ઉલટું છે. બોલ્ટનના મતે ભારત સાથે પણ આવી જ સ્થિતિ હતી. ટ્રમ્પ અને મોદીની મિત્રતા પહેલા મજબૂત હતી, પરંતુ હવે તે સમાપ્ત થઈ ગઈ છે.
ભારત હવે રશિયા અને ચીનની વધુ નજીક
બોલ્ટને દાવો કર્યો છે કે ટ્રમ્પ પ્રશાસનની નીતિઓએ ભારત-અમેરિકા સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે. ખાસ કરીને રશિયન તેલ ખરીદવા બદલ ભારત સામે લગાવવામાં આવેલા ટેરિફને કારણે ભારત હવે રશિયા અને ચીનની નજીક આવી ગયું છે. બોલ્ટને આને ટ્રમ્પની મોટી ભૂલ ગણાવી છે.
ચીને ઉઠાવ્યો પરિસ્થિતિનો લાભ
બોલ્ટને કહ્યું કે અમેરિકાએ વર્ષો સુધી પ્રયાસ કર્યો હતો કે ભારત તેના જૂના રશિયા તરફી વલણથી દૂર થાય અને ચીનને તેનો સૌથી મોટો સુરક્ષા પડકાર માને, પરંતુ ટ્રમ્પની નીતિઓએ આ મહેનત પર પાણી ફેરવી દીધું. બોલ્ટનના કહેવા મુજબ ચીને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પોતાને અમેરિકા અને ટ્રમ્પના વિકલ્પ તરીકે રજૂ કર્યું છે.
જોકે બોલ્ટને કહ્યું કે આ સ્થિતિ બદલી શકાય છે, પરંતુ હાલમાં ભારત-અમેરિકા સંબંધો માટે ખૂબ જ ખરાબ સમય છે. ટ્રમ્પની નીતિઓએ ભારતને એવા માર્ગે ધકેલી દીધું છે જ્યાં તે રશિયા અને ચીન સાથે વધુ નજીક દેખાઈ રહ્યું છે.