China Victory Day Parade: ચીનની રાજધાની બેઇજિંગમાં બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે 3 સપ્ટેમ્બરને ચીન વિજય દિવસ તરીકે ઉજવે છે અને આ ખાસ પ્રસંગે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરીને દુનિયાને પોતાની તાકાત બતાવે છે. આ વર્ષે પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગે પરેડની સલામી લીધી હતી, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સહિત વિશ્વના અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચીન કોઈની ધમકીઓથી ડરનાર નથી - શી જિનપિંગ
આ ભવ્ય પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમને સખત શબ્દોમાં જવાબ આપ્યો. શી જિનપિંગે તેમના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું કે ચીન કોઈની ધમકીઓથી ડરનાર નથી, આ દેશ હંમેશા આગળ વધતો રહેશે.

રાષ્ટ્રપતિ જિનપિંગે ભારપૂર્વક જણાવ્યું કે મનુષ્ય એક જ ગ્રહ પર રહે છે અને આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે વિશ્વ ફરીથી જંગલ રાજમાં પાછા ન ફરવું જોઈએ, જ્યાં મોટા અને શક્તિશાળી દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા હતા અને તેમના પર દાદાગીરી કરતા હતા.
રાષ્ટ્રપતિ જિનપિંગે વધુમાં ઉમેર્યું કે આજે વિશ્વ સમક્ષ ફરી એકવાર શાંતિ કે યુદ્ધ, સંવાદ કે ટકરાવ જેવા નિર્ણાયક વિકલ્પો છે. તેમણે ખાતરી આપી કે ચીન ઇતિહાસના સાચા પક્ષે અને માનવ પ્રગતિના પક્ષમાં દ્રઢતાથી ઊભું રહેશે. ચીન માનવતાના સહિયારા ભવિષ્યવાળા સમુદાયના નિર્માણ માટે સમગ્ર વિશ્વ સાથે હાથ મિલાવવા તૈયાર છે.