Una Accident News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કંસારી ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સામ-સામે ટક્કર બાદ સંતુલન ગુમાવતા કાર અને બાઈક રોડની સાઈડના ખાડામાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે.
બાઈકમાં પેટ્રોલ ભરાવા જઈ રહેલા યુવકોને કાળ ભરખી ગયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભડિયાદર ગામના બે યુવકો બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે ઉના તરફ જઈ રહ્યા હતા. તેમનું બાઈક કંસારી ગામ નજીક ભૂતડાદાદાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે ધડાકાભેર કાર સાથે ભટકાયું હતુ.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, બન્ને વાહનોના ચાલકોએ સંતુલન ગુમાવીને રોડની સાઈડમાં રહેલ પાંચ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. જેમાં ગંભીર ઈજા થતાં બાઈક પર સવાર બન્ને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નીપજ્યા હતા.
આ અકસ્માતના પગલે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તેમજ મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રથામિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ કુલદીપ સોલંકી અને જીગર સોલંકી તરીકે થઈ છે. જ્યારે અકસ્માત બાદ કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું માસૂમ પડ્યું છે. આ ઘટનાના પગલે મૃતક યુવકોના પરિવારજનો તેમજ ભડિયાદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થયેલા કારચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
