Transfer Parent Home Loan To Child: આજના સમયમાં મારું પોતાનું ઘર હોય, તેવું સૌ કોઈનું સપનું હોય છે. જો કે રિયલ એસ્ટેટના વધતા જતા ભાવ અને મોંઘવારીના કારણે ઘણાં લોકો ઘર ખરીદવાનું માંડી વાળે છે, તો કેટલાક લોકો બેંકની હોમ લોનની મદદથી પોતાનું આ સપનું સાકાર જરૂર કરે છે.
હોમ લોનને લઈને સ્વાભાવિક એક પ્રશ્ન અચુક થાય, કે શું માતા-પિતાના નામે ચાલી રહેલ હોમ લોન બાળકો પોતાના નામે લઈ શકે છે? તો આજે અમે આપને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો
હોમ લોન ક્યારે ટ્રાન્સફર થાય અને શું ધ્યાનમાં લેવાય?
કેટલાક કિસ્સાઓમાં માતા-પિતાના નામે ચાલી રહેલ હોમ લોન બાળકો પોતાના નામે લઈ શકે છે. જો કે તેના માટે બેંક કે લેન્ડરની મંજૂરી જરૂરી હોય છે. જેમાં લોન લેનારા બાળકની કમાણી, ક્રેડિટ સ્કોર, ઉંમર સહિત અન્ય આર્થિક જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ સાથે જ લોનની કેટલી રકમ બાકી છે અને કેટલા સમય સુધી EMI ભરવાની છે, તે પણ તપાસવામાં આવે છે. આ ઉપરાંત પ્રોપર્ટીના ડેક્યુમેન્ટ પણ જરૂરી હોય છે.
જો બાળકની આવક સ્થિર છે અને બાકીની EMI સરળતાથી ચૂકવી શકે તેમ છે, તો લોન ટ્રાન્સફર થઈ શકે છે. બેંક બાળકની આવક અને ક્રેડિટ રેકોર્ડ ચેક કર્યાં બાદ નિર્ણય લે છે. જૂની લોનની EMI સમયસર ભરી છે કે કેમ, તે પણ ચકાસવામાં આવે છે. માત્ર વધારે પગાર હોવાના કારણે લોન તમારા બાળકના નામે નથી થતી. બેંકની તમામ શરતોનું પુરી કરવી જરૂરી છે.
કો-બૉરોઅર બનાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ
કેટલાક કિસ્સાઓમાં માતા-પિતાની હોમ લોનમાં બાળકને પહેલા કો-બોરોઅર બનાવી શકાય છે. જે બાદ આગળ જતાં લોનની તમામ જવાબદારી બાળકના નામે કરી શકાય છે. આ માટે બેંકની મંજૂરી તેમજ જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ. જો પ્રોપર્ટીના માલિકી હક્ક પણ બાળકના નામે કરવા હોય, તો તેના માટે અલગ પ્રક્રિયા કરવી પડી શકે છે. જેમાં રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટી જેવા ખર્ચા થઈ શકે છે. આથી સૌ પ્રથમ સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે.
